ન્યૂ જર્સીના સ્ટેડિયમમાં રોમાંચક ટક્કર : આર્જેન્ટિનાનો ફરી ખિતાબ જીતવાનો ધ્યેય
ન્યૂયોર્ક,
તા. 18 : ફીફા વિશ્વકપ 2026નો ફાઈનલ મુકાબલામાં રવિવારે મોડી રાત્રે ગત ચેમ્પિયન આર્જેન્ટિનાની
ટક્કર સ્પેન સાથે થવાની છે. આ મુકાબલો ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે. આ
નિર્ણયક મેચમાં આર્જેન્ટિનાની નજર સતત બીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા ઉપર રહેશે.
આટલું જ નહીં લિયોનેલ મેસીની કેપ્ટનશીપની ટીમ ચોથો ખિતાબ પણ જીતી શકે છે. આર્જેન્ટિનાએ
આ પહેલા 1978, 1986, 2022માં ટ્રોફી જીતી હતી જ્યારે વર્તમાન યુરોપિયન ચેમ્પિયન સ્પેન
2010માં પહેલી જીત બાદ બીજી વખત વિશ્વકપ જીતવાની કોશિશ કરી રહ્યું છે.
આ અગાઉ
આર્જેન્ટિનાએ સેમીફાઇનલમાં પાછળ રહ્યા બાદ ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. ફૂટબોલ
દિગ્ગજ લિયોનેલ મેસીએ એનજો ફર્નાન્ડિસ અને લોટારો માર્ટિનેઝને ગોલમાં મદદ કરીને મેચના
અંતમાં શાનદાર વાપસી કરાવી હતી. હવે આર્જેન્ટિનાનો સામનો એવા દેશ સામે થશે જેને મેસી સારી રીતે જાણે છે. સ્પેન
એ દેશ છે જેણે એફસી બાર્સેલોના સાથે 17 સીઝન દરમિયાન મેસીને રમતના સૌથી મહાન ખેલાડીમાંથી
એક બનવામાં મદદ કરી છે.
સ્પેને
સેમીફાઇનલમાં ફ્રાન્સને 2-0થી હરાવ્યું હતું. જેમાં યમાલનું પ્રદર્શન શાનદાર રહ્યું
હતું. આ કારણે કિલિયન એમ્બાપ્પેને પોતાનો બીજો વિશ્વકપ ખિતાબ જીતવાની તક મળી નહોતી.
આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે આ પહેલાં વિશ્વકપમાં ટક્કર 1966ના ગ્રુપ સ્ટેજમાં થઈ હતી.
આ મેચમાં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. તેવામાં સ્પેન પાસે હિસાબ ચૂકતે
કરવાની પૂરી તક છે. બન્ને ટીમ વચ્ચે હેડ ટૂ હેડ આંકડા ઉપર નજર કરવામાં આવે તો કાંટાની
ટક્કર જોવા મળે છે. સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે કુલ 14 વખત આંતરરાષ્ટ્રીય મુકાબલો
થયો છે. જેમાં બન્ને ટીમે છ-છ જીત મેળવી છે જ્યારે બે મેચ બરાબરીએ છૂટયા છે.