જી.જી. હોસ્પિટલમાં દાખલ એક વર્ષ અને 11 માસના બાળકના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા, રિપોર્ટની પ્રતિક્ષા
(ફૂલછાબ
ન્યુઝ)
જામનગર,તા.18
: શહેરમાં ચાંદીપુરા વાયરસની આશંકાને પગલે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરની જી.જી.
હોસ્પિટલમાં તાવ અને મગજ પર અસર જેવા લક્ષણો ધરાવતા બે માસુમ બાળકોને સારવાર માટે દાખલ
કરવામાં આવ્યા છે. બંને બાળકોની હાલ બાળરોગ વિભાગમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી
રહી છે.
શહેરના
ઢીંચડા રોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપ વિસ્તારનું એક વર્ષનું બાળક અને ગણપતનગર વિસ્તારનું
11 માસનું બાળક તાવની ગંભીર અસરને કારણે જી.જી. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બંને
બાળકોમાં ચાંદીપુરા રોગ જેવા લક્ષણો જોવા મળતા તબીબોએ જરૂરી તપાસ શરૂ કરી હતી. બંને
બાળકોના ડેન્ગ્યુ અને મેલેરિયાના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારબાદ ચાંદીપુરા
વાયરસની શક્યતા ધ્યાનમાં રાખીને તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે ગાંધીનગરની
લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આગામી બે દિવસમાં મળવાની શક્યતા છે. જી.જી.
હોસ્પિટલના તબીબો બંને બાળકોની સઘન સારવાર કરી રહ્યા છે. બીજી તરફ મહાનગર પાલિકાના
આરોગ્ય વિભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં તકેદારીના પગલાં શરૂ કર્યા છે. આરોગ્ય વિભાગના
જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ખાસ કરીને કાચા
મકાનોમાં રહેતા અને માલઢોર નજીક રહેતા લોકોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર રહે છે. હાલ
બંને બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.