• રવિવાર, 19 જુલાઈ, 2026

ઉદ્ધવ જૂથનાં 6 સાંસદનાં શિવસેનામાં વિલયને સ્પીકરની મંજૂરી

            તૃણમૂલનાં બાગીઓને પણ લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થા આપવા નિર્ણય

નવી દિલ્હી, તા.18: લોકસભામાં હવે શિવસેનાના સાંસદોની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ શિવસેના(યુબીટી)ના 6 સાંસદોએ શિવસેનામાં જોડાણ કર્યું હતું. હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ 6 સાંસદના વિલયને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. પરિણામે, એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથના લોકસભામાં કુલ 13 સાંસદ થઈ ગયા છે. બીજી તરફ, ટીએમસીના બાગી સાંસદોને પણ સંસદમાં અલગ બેસવાની મંજૂરી આપવામાં આવી છે.

સ્પીકરનો આ નિર્ણય છ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેના જૂથમાંથી બળવો કરીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયાને આશરે એક મહિના પછી આવ્યો છે. સંસદના 20 જુલાઈથી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલાં લેવાયેલા આ નિર્ણયથી લોકસભામાં શિંદેના નેતૃત્વવાળી શિવસેનાની સ્થિતિ વધુ મજબૂત બની છે.

બીજા એક નિર્ણયમાં, લોકસભાના સ્પીકરે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માંથી અલગ થઈને એનસીપીઆઈમાં જોડાયેલા 20 સાંસદને સંસદમાં અલગ બેસવાની વ્યવસ્થા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી લોકસભામાં ટીએમસીના બાગી સાંસદોની હાજરીને સત્તાવાર માન્યતા મળી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર બાદ પાર્ટીના કુલ 28માંથી 20 સાંસદે બળવો કર્યો હોવાનું જણાવાયું છે.

વિદ્રોહી નેતા પરત આવે તો કલાકમાં રાજીનામું : અભિષેક બેનરજી

કોલકાતા, તા. 18 : તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા વિદ્રોહ વચ્ચે પક્ષના સાંસદ અભિષેક બેનરજીએ વિદ્રોહી નેતાઓને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે જો તમામ મમતા બેનરજીના નેતૃત્વને સ્વીકારીને પરત આવશે તો તેઓ એક કલાકની અંદર રાજીનામું આપશે. અભિષેકે આ સાથે આરોપ મુક્યો હતો કે વિદ્રોહી નેતાઓએ ભાજપ સાથે સમજૂતી કરી છે. પક્ષ છોડી ભાજપમાં સામેલ થવાની અને પછી બીજા ઉપર દોષ મુકવાની ડીલ થઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક