સોનમ વાંગચુકે હોસ્પિટલમાં પણ ચાલુ રાખ્યા અનશન, દવા લેવાનો ઈનકાર : અભિજીત ઉપર શાહી ફેંકાઈ
છાત્રો ઉપર લાઠીચાર્જ થયાનો આક્ષેપ, હવે
મોદીનું રાજીનામું માગ્યું
નવીદિલ્હી,તા.18:
પેપર લીક મુદ્દે શિક્ષા મંત્રીનાં રાજીનામાની માગણી સાથે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર
ખાતે ચાલતા કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનમાં આજનો દિવસ ભારે હંગામેદાર બની
ગયો હતો. આ વિરોધ પ્રદર્શનનાં સમર્થનમાં છેલ્લા 21 દિવસથી બેમુદ્દતી અનશન ઉપર ઉતરી
ગયેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને આજે પોલીસે પ્રદર્શન સ્થળેથી ઉઠાવીને હોસ્પિટલમાં
ભર્તી કરી નાખ્યા હતાં. તો બીજીબાજુ વાંગચુકને બળજબરીથી અનશન પૂરા કરાવવા અને લથડેલી
તબિયતની સારવાર માટે લઈ જવાયા બાદ સીજેપીનાં સંસ્થાપક અભિજીત દીપકેએ પણ જંતર-મંતર ખાતે
અનિશ્ચિતકાળનાં ઉપવાસ શરૂ કરી નાખ્યા હતાં. આ દરમિયાન તેનાં ઉપર શાહી પણ ફેંકવામાં
આવી હતી. બીજીબાજુ વાંગચુકે હોસ્પિટલમાં પણ અનશન જારી રાખ્યા હતાં અને દવા લેવાનો ઈનકાર
કરી દીધો હતો.
જંતર-મંતરથી
આજે સવારે વાંગચુકને ઉઠાવીને પોલીસ સફદરગંજ હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા
બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે, વાંગચુકને ડિહાઈડ્રેશન થયું છે અને તેમણે દવા
ગ્રહણ કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. અત્યાર સુધીનાં ઉપવાસમાં તેમનું 9.પ કિલો વજન ઘટી
ગયું છે.
દિલ્હી
હાઈકોર્ટે ગુરુવારે જ કેન્દ્ર અને દિલ્હી સરકારને નિર્દેશ આપ્યો હતો કે, વાંગચુકનું
રોજિંદું મેડિકલ ચેકઅપ થવું જોઈએ અને જરૂર પડે તો તેમને સારવાર પણ આપવી. જે આદેશનાં
અનુસંધાને આજે સવારે 7 વાગ્યામાં પોલીસ સાદા કપડામાં જંતર-મંતર પહોંચી ગઈ હતી અને વાંગચુકને
સફેદ ચાદરમાં વીંટીને લઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હંગામો
પણ સર્જાયો હતો.
વાંગચુકને
હોસ્પિટલ લઈ જવામાં આવતાં અભિજીત દીપકેએ ભૂખ હડતાલ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તે
જ્યારે મંચથી નીચે આવીને બેઠા ત્યારે એક મહિલાએ તેનાં ઉપર શાહી ફેંકી દીધી હતી. જો
કે બાદમાં આ મહિલાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને તેમાં તે પોતાની સાથે મારપીટ
થયાનો આરોપ લગાવી રહી હતી.
વાંગચુક
સાથે ઓલ ઈન્ડિયા સ્ટૂડંટ એસોસિએશનની નેહા, આમીન અને મીનષ પણ છેલ્લા 21 દિવસથી જંતર-મંતરે
ભૂખ હડતાલ કરી રહ્યાં છે અને હજી તેઓ અભિજીત સાથે પણ અનશનમાં જોડાઈ રહ્યાં છે. નેહાની
હાલત ગંભીર બનતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. તો આમીન અને મનીષની
તબિયત પણ લથડી રહી હોવાનું જાણવા મળે છે.
દરમિયાન
વાંગચુકે હોસ્પિટલમાં દવા પણ ખાવાનો ઈનકાર કરી દીધા બાદ તેમનાં પત્ની ગીતાંજલિએ કહ્યું
હતું કે, તેમની સહમતી વિના સોનમને કોઈ ઉપચાર આપવો ન જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે,
જો મારી સહમતી વગર કોઈ ઈલાજ કરવામાં આવશે અને કંઈપણ થશે તો તેનાં માટે બધા જ જવાબદાર
ઠરશે.
બીજીબાજુ
અભિજીત દીપકેએ અનશન શરૂ કર્યા બાદ શિક્ષામંત્રીનાં રાજીનામાની માગણીથી આગળ વધીને હવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજીનામાની માગણી પણ ઉઠાવી છે. સોનમ વાંગચુકને ધરણાંસ્થળેથી
હટાવવાની કાર્યવાહીને આપખુદ ગણાવતાં દીપકેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, વિદ્યાર્થીઓ
ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે અને મારી સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. અભિજીતે
આગળ કહ્યું હતું કે, આવી તાનાશાહી બર્દાશ્ત કરવામાં નહીં આવે. અભિજીતે દેશનાં એક-એક
ચોકને જંતર-મંતર બનાવી નાખવાની હાકલ કરી હતી.
દરમિયાન
જંતર-મંતરે બનેલી આ ઘટના પછી તમામ વિરોધ પક્ષોએ સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી અને સીજેપીનાં
આંદોલનને સમર્થન જાહેર કરીને માગણીઓ ઉપર સરકારને ગંભીરતાથી વિચારવા કહ્યું હતું. દરમિયાન
અણ્ણા હઝારેએ પણ સોનમ વાંગચુકનાં અનશનને સમર્થન આપ્યું હતું.