ફરીથી શરૂ થયેલા સામસામા હુમલા હવે ફરી ભીષણ યુદ્ધમાં તબદિલ થવાની ભીતિ: જંગ હવે હોર્મુઝ સુધી સીમિત નહીં રહે
નવી
દિલ્હી, તા.18: ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી શરૂ થયેલા સામસામે હુમલાઓ હવે ફરી એકવાર
ભયાનક યુદ્ધમાં ફેરવાઈ જવાની તૈયારીમાં છે. બન્ને તરફથી આવી જંગની તૈયારીઓ થઈ રહી છે.
અમેરિકાએ યુદ્ધવિમાનોમાં હવામાં ઈંધણ ભરી શકે તેવા વિમાનો મોટી સંખ્યામાં ઈઝરાયલ મોકલ્યા
છે. જેને પગલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે કોઈ મોટા સૈન્ય અભિયાનની
તૈયારીમાં હોવાનું કહેવામાં આવે છે. વાત હવે માત્ર હોર્મુઝ સુધી સીમિત રહેવાની નથી
અને અમેરિકા ઈરાનનાં પરમાણુ મથકો સહિતનાં મહત્ત્વનાં માળખાઓ ઉપર ત્રાટકશે તેવી આશંકા
છે. તો બીજીબાજુ ઈરાન પણ ગાંજ્યું જવાનું નથી.
ચાબહાર
ઉપર હુમલા કરવાં સાથે અમેરિકાએ આ વખતે ઈરાનમાં એરપોર્ટ, પુલ, બંદરો, સર્વેલન્સ ટાવર
અને રહેણાક ઈમારતોને પણ નિશાન બનાવી છે. જેને પગલે ઈરાને હવે ફરીથી પાડોશી દેશોનાં
નાકમાં દમ લાવી દીધો છે. કુવૈતે આરોપ લગાવ્યો હતો કે, ઈરાને તેનાં આવાસીય ક્ષેત્રમાં
હુમલો કર્યો છે. ઈરાનનાં હુમલામાં કુવૈતમાં વીજળી ઉત્પાદન અને સમુદ્રીજળને પીવાનાં
પાણીમાં બદલતા શુદ્ધીકરણ પ્લાન્ટ ઉપર પણ હુમલા કર્યા હતાં. ઈરાને દાવો કર્યો હતો કે,
તેની સેનાએ કુવૈતમાં સ્થિત અમેરિકાનાં અલી અલ સાલેમ એરબેઝની રડાર સુવિધાને નિક્રીય
બનાવી નાખી છે.
આ ઉપરાંત
ઈરાને આજે જોર્ડન, બહેરીન, સાઉદી અરબ અને ઈરાકમાં પણ અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
હતાં. જેમાં નિરીક્ષણ કેન્દ્ર, સૈન્ય માળખા, શત્ર ભંડાર અને સમુદ્રી ક્ષમતાઓ ઉપર મિસાઈલો
અને ડ્રોન ત્રાટક્યા હતાં.