• રવિવાર, 19 જુલાઈ, 2026

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ : 9 ભડથું

50 મીટર દૂર સુધી મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં ફંગોળાયા: લાયસન્સ રદ થયા પછી પણ ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો ખુલાસો

ફાયર અને રેપિડ એક્શન ફોર્સે રાહત બચાવ કામગીરી કરી, 15 ઘાયલને હોસ્પિટલ ખસેડયા : મૃત્યુઆંક  વધવાની ભીતિ

ફેક્ટરી સંચાલક સામે સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી): અમદાવાદ, તા.18:   અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ નજીક મહેમુદપુરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 10 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. ઘાયલો 90 ટકાથી વધુ દાઝ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.   અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ નજીક ખેતરમાં ઊભી કરાયેલી ફટાકડાની ફેક્ટરીમાં બપોરના સમયે એકાએક ધડાકો થયો હતો અને બાદમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિલોમીટર  દૂર સુધી સંભળાયો હતો. ધૂમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. જ્યારે દુર્ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો.

ફેક્ટરીમાં ધડાકાને લીધે તેમા કામ કરતા મજૂરોના મૃતદેહો 50 મીટર દૂર ક્ષતવિક્ષત હાલતમાં ફંગોળાયા હતા. આ ફેક્ટરી રેપિડ એક્શન ફોર્સ કેમ્પની પાછળ ધમધમી રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ફેક્ટરીનું લાઈસન્સ રદ થયું હોવા છતાં તેમાં ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ દુર્ઘટનાને પગલે અમદાવાદ શહેરના મેયર, મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

 આ ફેક્ટરી મેહુલ ડોડિયા નામનો યુવક ચલાવી રહ્યો હોવાનું જણાયું હતું. ફેક્ટરીનું લાઈસન્સ રદ કરાયું હોવા છતાં ખુલ્લા ખેતરમાં પતરા અને તાડપત્રી બાંધીને તથા ટેબલો ગોઠવીને ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી. બપોરના સમયે ફેક્ટરીમાં કોઈ કારણથી બ્લાસ્ટ થયો હતો અને બાદમાં આગ લાગી હતી. પ્રચંડ બ્લાસ્ટનો અવાજ સાંભળીને ફાયરની ટીમ પહોંચે તે પહેલા નજીકમાં જ આરએએફ કેમ્પમાંથી જવાનો મદદ માટે દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ મૃતદેહો 50 મીટર દૂર સુધી વિખરાયેલા પડયા હતા.

આ ઘટનામાં 15 જેટલા ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એલ.જી. હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને પાંચ જેટલા ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. 

નોંધનીય છે કે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેમુદપુરા ગામમાં ટેલેન્ટ નામથી ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ધમધમી રહી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાંચ ઘાયલોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. મહિલાની તબિયત સ્થિર છે જ્યારે બાળકો 90 ટકાથી વધુ દાઝ્યા હોઈ તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.

 ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સહિતની વિવિધ તપાસ એજન્સીઓને સ્થળ બોલાવવામાં આવી છે. બ્લાસ્ટનું કારણ, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ગેરકાયદે રીતે ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી તે તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા વિરુદ્ધ સાપરાઘ મનુષ્ય વધ તેમજ વિસ્ફોટક પદાર્થ કાયદાની કલમો હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ હજુ કરવાની બાકી છે અને તેઓ રામોલ તથા વસ્ત્રાલ આસપાસ રહેતા હોવાનું જણાયું છે.

વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું, પીડિત  પરિવારને રૂપિયા 2 લાખની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે અમદાવાદમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોતના સમાચાર અત્યંત દુ:ખદ છે. તેમણે જણાવ્યું કે, દુ:ખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને તેઓ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે. સાથે જ તેમણે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્તોને દરેક શક્ય મદદ પહોંચાડી રહ્યું છે. વડાપ્રધાને પીએમ રાષ્ટ્રીય રાહત નિધિમાંથી પીડિત પરિવાર માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના પરિવારને  રૂ. 2 લાખની સહાય તેમજ ઘાયલોને રૂ. 50 હજારની મદદ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, 4 લાખની સહાયની જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મહેમુદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ અને ઘાયલોને રૂ.50,000ની સહાય આપવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક