પોરબંદરના ડીવાયએસપી અને પીઆઇ સહિત ત્રણ સામે FIRનો આદેશ
પોરબંદર,
તા.18 : ભરણપોષણ ન ચૂકવવાના કેસમાં સજા પામેલા એક આરોપીની ધરપકડ કરવાના બદલે તેને ગેરકાયદે
આશ્રય આપી મુક્ત કરી દેવાના ગંભીર મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આરોપી કુતિયાણા
પોલીસ સ્ટેશનમાં હાજર હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં સરકારી વોરંટ રજિસ્ટરમાં
ચેડાં કરીને કોર્ટ સમક્ષ ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો ભાંડો
ફૂટયા બાદ, કેશોદની ફેમિલી કોર્ટે પોરબંદરના તત્કાલીન હેડક્વાર્ટર ડીવાયએસપી, કુતિયાણાના
પીઆઇ અને એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરી પાંચ દિવસમાં લેખિત અહેવાલ
રજૂ કરવા ઐતિહાસિક હુકમ
કર્યો
છે.
આ ચકચારી
ઘટનામાં કેશોદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પી.એચ. સિંહ દ્વારા કડક આદેશ જારી કરવામાં
આવ્યો છે. કોર્ટના સીનિયર ક્લાર્ક અફરોઝખાન એસ. તુર્કને કુતિયાણાના પીઆઈ એમ.ડી. વાળા,
આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા અને ડીવાયએસપી વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં
બીએનએસ 2023 તથા ગુજરાત પોલીસ એક્ટની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ છે.
આ કેસમાં અરજદાર માયાબેન કાનજીભાઈ મકવાણાએ તેમના પતિ રણછોડભાઈ રાયમલભાઈ વિરમગામા સામે
ભરણપોષણની અરજી કરી હતી, જેમાં આરોપી રણછોડભાઈ કસૂરવાર ઠરતા તેની સામે સજાનું વોરંટ
નીકળ્યું હતું. આ મામલે પોરબંદર એસપી ભગીરથાસિંહ જાડેજાના ખુલાસા અહેવાલને પણ કોર્ટે
નામંજૂર કરીને કાયદાકીય પગલાં ભરવા આદેશ કર્યો છે.