અર્ન્સ્ટ એન્ડ યંગનો ચિંતાજનક અહેવાલ ઃ પાડોશી દેશોની તુલનામાં ઓઇલ બાબતે ભારત વ્યૂહાત્મક રીતે પાછળ
નવીદિલ્હી, તા.30 ઃ ભારતની ઊર્જા સુરક્ષા મુદ્દે ખૂબ જ ચિંતાજનક અહેવાલ બહાર આવ્યા છે. વિશ્વની દિગ્ગજ કન્સલ્ટન્સી ફર્મ(સલાહકાર કંપની) અર્ન્સ્ટ એન્ડ યંગનાં એક નવા અધ્યયન અનુસાર ભારતનો વ્યૂહાત્મક ઓઇલ ભંડાર અત્યારે અત્યંત ઓછો છે. જો હાલના સંજોગોમાં દુનિયામાં કોઈ મોટી જંગ છેડાઈ જાય કે પછી ઓઇલ પુરવઠો ઠપ થઈ જાય તો ભારત પાસે સુરક્ષિત રાખવામાં આવેલા ઓઇલ ભંડારમાં ફક્ત 4.9 દિવસ
એટલે કે વધીને પાંચ દિવસ ચાલે તેટલો જ જથ્થો છે.
કોઈપણ વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં ભારત અનામત ઓઇલ ભંડારની બાબતમાં પોતાના પાડોશી દેશ કરતાં પાછળ દેખાઈ રહ્યું છે. ભારતની તુલનામાં ચીનની વાત કરવામાં આવે તો તેની પાસે પોતાની કુલ જરૂરિયાત મુજબ 92 દિવસનો
બેકઅપ ભંડાર છે જ્યારે જાપાન પાસે 77 દિવસ,
દક્ષિણ કોરિયા પાસે 31 દિવસ
ચાલે એટલો ઓઇલનો પુરવઠો આરક્ષિત છે.
વિદેશથી આયાત થતાં ઓઇલ ઉપર ભારતની નિર્ભરતા સમય સાથે વધતી જાય છે. વર્ષ 2000માં ભારતને રોજિંદા 2પ લાખ બેરલ ઓઇલની આવશ્યકતા પડતી હતી અને 70 ટકા ઓઇલ આયાત થતું હતું. આજે ભારતની પ્રતિદિનની આવશ્યકતા પ4થી પ6 લાખ બેરલ ઓઇલ સુધી પહોંચી ગઈ છે. જો કે આ આયાતી ક્રૂડ ઓઇલમાંથી ચોથા ભાગ જેટલું ઓઇલ દેશની રિફાઇનરીઓમાં રિફાઇન થઈને વિદેશમાં નિકાસ પણ થાય છે. તેમ છતાં ભારત ઓઇલ માટે આયાત ઉપર નિર્ભર દેશ છે તેમાં કોઈ
સંદેહ નથી. દરમિયાન ખાડી દેશોમાં કટોકટી વચ્ચે રશિયા ભારત માટે સંકટમોચક બન્યું હતું અને ચાલુ માસે તો ભારતે રશિયાથી ઓઇલની આયાતનો નવી વિક્રમ બનાવી લીધો છે. ભારતે જૂનમાં પોતાની જરૂરિયાતનું પ0 ટકા જેટલું ઓઇલ એકલા રશિયા પાસેથી ખરીદેલું છે.
....................