• મંગળવાર, 30 જૂન, 2026

શાપર 2.49 કરોડની લુંટ : પરપ્રાંતીય મજૂરે રેકી કરી ખઙની ગેંગને બાતમી આપો હોવાની શંકા

લૂંટનો ભેદ ઉકેલાયો 78.86 લાખનો મુદ્દામાલ રીકવર, જામનગરની વાહન ચોરીનો પણ ભેદ ઉકેલાયો 

રાજકોટ, તા.29: રાજકોટ આવેલા શાપરમાં એક સપ્તાહ પૂર્વે રાજવી પરિવારના 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવીને ચલાવવામાં આવેલી રૂ.2.49 કરોડની ફિલ્મી ઢબે લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. પોલીસની 50થી વધુ ટીમોની મહેનત બાદ આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના ત્રણ સાગરીતોને ખાંગેલા ચેક પોસ્ટ નજીકથી ઝડપી લેવાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ.43.18 લાખની રોકડ, રૂ.21.22 લાખના સોનાના દાગીના, રાયફલ, બોલેરો કાર અને બે બાઈક સહિત કુલ 78.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, જ્યારે સૂત્રધાર સહિત પાંચ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પ્રાપ્ત વિગતો મુજબ લૂંટમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મધ્યપ્રદેશના જાંબુઆના સૂત્રધાર કલમસીંગ ઉર્ફે કમલસીંગ સિંગાડે તેના પિતરાઈ ભાઈ બનાસિંગ   સાથે મળીને આ લૂંટનો આખો પ્લાન ઘડયો હતો. લૂંટની ઘટનાના આગલા દિવસે જ આ ગેંગ બોલેરો કારમાં શાપર પહોંચી ગઈ હતી. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સીસીટીવી અને પોલીસથી બચવા માટે થઈને ત્રણ ચોરાઉ બાઈક પર ભાગ્યા હતા. રસ્તામાં ઢોલરા પાસે એક બાઈક ફેંકીને તેઓ હીરાસર એરપોર્ટ નજીક બામણબોર પહોંચ્યા હતા. ત્યાં બાકીના બે બાઈક બિનવારસી મૂકી, અગાઉથી નક્કી કરેલી બોલેરો કારમાં સવાર થઈ નાસી છૂટયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે શાતીર લુટારુઓ રસ્તામાં આવતા એક પણ શહેર કે ટોલનાકામાંથી પસાર થયા વગર સીધા મધ્યપ્રદેશના જાંબુઆ પહોંચી ગયા હતા જેથી આરોપીને પકડવા પોલીસ માટે પડકાર રૂપ બની ગયું હતું.

જાંબુઆ પહોંચીને તમામ આરોપીઓએ લૂંટની રકમની વહેંચણી કરી લીધી હતી અને અલગ પડી ગયા હતા. પકડાયેલા આરોપી બનાસિંગના ભાગે 10 લાખ રોકડ તથા તમામ દાગીના આવ્યા હતા, જ્યારે શેતાન અમલિયાર અને દિનેશ પરમારના ભાગે 15-15 લાખ આવ્યા હતા, જે પોલીસે રિકવર કરી લીધા છે. હજુ પણ મોટી માત્રામાં રોકડ રકમ ફરાર પાંચ આરોપીઓ પાસે હોવાથી પોલીસ તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ દરમિયાન પોલીસને શાપરમાં રહેતા કોઈ પરપ્રાંતીય શખ્સે જ આ બંગલાની અને વૃદ્ધ એકલા રહેતા હોવાની પૂરેપૂરી રેકી કરીને મધ્યપ્રદેશની ગેંગને ’ટીપ’ આપી હોવાની શંકા સેવાઈ રહી છે. આ ચકચારી ગુનાને ઉકેલવા માટે એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઈમ સહિતની અલગ-અલગ 50થી વધુ ટીમો કામે લાગી હતી. પોલીસે શંકાસ્પદ મોબાઈલ લોકેશન અને ઈન્ટરનેટ કાલિંગ પર નજર રાખીને તપાસ દાહોદ અને એમપી સુધી લંબાવી હતી. આ દરમિયાન બામણબોર વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા, ત્યાંથી ચોરાઉ બાઈક ઉપરાંત એક સ્વિફ્ટ કારની નંબર પ્લેટ પણ મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ નંબર પ્લેટ જામનગરમાંથી ચોરાયેલી કારની હતી, આમ ડ્રોન તપાસને કારણે વાહન ચોરીના અન્ય એક ગુનાનો ભેદ પણ સાથે-સાથે ઉકેલાઈ ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક