અમદાવાદમાં ઝડપાયેલા પ્લાઝમા કૌભાંડમાં ખુલાસો : ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આ ભેળસેળયુક્ત પ્લાઝમા સપ્લાય થયા નથી : પોલીસ
અમદાવાદ, તા.29: મેડિકલ ક્ષેત્રના
ઈતિહાસમાં ક્યારેય ન સાંભળ્યું હોય તેવું અત્યંત સંવેદનશીલ અને માનવજીવન સાથે ક્રૂર
રમત રમતું દેશનું સૌપ્રથમ નકલી પ્લાઝમા કૌભાંડ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યું
હતું. ગંભીર દર્દીઓ માટે જીવનરક્ષક ગણાતા પ્લાઝમામાં કમાણીની ભૂખ સંતોષવા માટે સલાઇન
વોટર (ખારું પાણી) મિક્સ કરીને મોતનો સામાન વેચવાનું આ નેટવર્ક જોઈ ખુદ પોલીસ અને મેડિકલ
એક્સપર્ટ્સ પણ ચોંકી ઉઠ્યા હતા. એસીપી ઓમ પ્રકાશ જાટે સનસનીખેજ ખુલાસો કર્યો છે કે
આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 મોટી બ્લડ બેંકો સાથે સીધો જોડાયેલો
હતો. આરોપીઓ દ્વારા પ્લાઝમાની બેગમાં સલાઈન વોટર મિક્સ કરીને ભેળસેળ કરવામાં આવતી હતી,
જે માનવજીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે.
પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની
સંયુક્ત તપાસમાં 1140 જેટલા શંકાસ્પદ પ્લાઝમા પેકેટ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા
હતા, જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ પ્લાઝમા વાશીમ અને ઝાલ (મહારાષ્ટ્ર) ખાતેની
બ્લડ બેંકોમાં મોકલવામાં આવતા હતા. પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ, ગુજરાતની કોઈ
પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આ ભેળસેળયુક્ત પ્લાઝમા સપ્લાય થયા નથી.
આરોપી દિનેશ ચૌધરીના બેંક ટ્રાન્ઝેક્શન
અને રોકડ વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એસીપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા
મુજબ, મેડિકલ કોલેજના લેબ રિપોર્ટમાં ભેળસેળની હકીકત સામે આવ્યા બાદ પોલીસ હવે આ સમગ્ર
કૌભાંડનો વિગતવાર રિપોર્ટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ ઉપરાંત,
પ્લાઝમાના નિયમોમાં યોગ્ય સુધારા માટે પણ આરોગ્ય વિભાગને ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. હાલ આ કેસમાં અન્ય
રાજ્યોમાં પણ તપાસના તાર લંબાવવામાં આવ્યા છે. શું કોઈ દર્દીને આ નકલી પ્લાઝમાના કારણે
ગંભીર અસર પહોંચી છે કે નહીં, તે દિશામાં પણ પોલીસ ટીમ સઘન તપાસ કરી રહી છે.