• મંગળવાર, 30 જૂન, 2026

પૂર્ણિમાના દિવસે લવાયેલા સાબરમતીના પવિત્ર જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો

- અમદાવાદ જગન્નાથ રથયાત્રા પૂર્વે જળયાત્રામાં પરંપરા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ

 

અમદાવાદ, તા.29 : શહેરના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરમાં 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠયો હતો. જળયાત્રામાં 14 હાથી, 108 પવિત્ર કળશ, બળદગાડા, ભજન મંડળીઓ અને હજારો ભક્તો જોડાયા હતા. નદીમાંથી બોટ મારફતે પવિત્ર જળ લાવવામાં આવ્યું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગંગાપૂજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મંદિર ખાતે ભગવાનનો શોડષોપચાર પૂજન અને પંચામૃત સહિત અભિષેક કરવામાં આવ્યો હતો.

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાએ અલૌકિક ગજવેશ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ અવસર પર સમગ્ર જમાલપુર વિસ્તાર ‘જય જગન્નાથ’, ‘જય રણછોડ’ અને ‘ગાવિંદ બોલો’ના નાદથી ગુંજી ઉઠયો હતો અને ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ કાર્યક્રમમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સુચારૂ તૈયારી કરવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

ઉપરાંત અંદાજે 8,000 ભક્તો માટે વિશાળ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાત, કઢી, દૂધપાક, ભજીયા, પૂરી અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ભગવાન આગામી 15 દિવસ માટે મોસાળ સરસપુર ખાતે વિરાજમાન રહેશે, જ્યાં ભક્તો દર્શનનો લાભ લેશે.

ઇ-પેપરના નવા શુલ્ક