• રવિવાર, 08 માર્ચ, 2026

સુરતના સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા મૃતદેહો પાસેથી ઇન્જેક્શન અને દવાની બોટલો મળી આવી

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા. 7: સુરતના સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતદેહો પાસેથી ઇન્જેક્શન અને દવાની બોટલો મળી આવી હતી.

ઉધના વિસ્તારમાં રહેતી અને સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી રોશની શરદ શિરસાઠ(ઉં.18) અને જ્યોત્સના અતુલ ચૌધરી (ઉં.20) રોજની જેમ ગતરોજ સવારે સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. જોકે, બન્ને યુવતી કોલેજનો ટાઇમ પૂરો હોય તથા સાંજ થતાં ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી પરિવાર દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી વારંવાર ફોન કરવા છતાં બન્નેમાંથી કોઈએ ફોન ઉપાડયો નહોતો, જેને લીધે પરિવારે તેમની શોધખોળ શરૂ કરી બનાવ અંગે ડિંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે યુવતીઓની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન આજે સવારે બન્ને યુવતીનું છેલ્લું લોકેશન સણિયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સણિયા ગામના સ્વામીનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓનું સ્કૂટી મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બન્ને યુવતી જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતાં પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાથરૂમનો દરવાજો તોડતા જ અંદરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 રોશની અને જ્યોત્સના બન્ને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતદેહોની પાસેથી ઇન્જેક્શન અને દવાની ત્રણ બોટલ પણ મળી આવી છે, જેથી યુવતીઓએ કોઈ ઝેરી દવા અથવા ઓવરડોઝના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે એવું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે. જોકે, બન્નેનાં મૃત્યુનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે બન્ને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીંડોલી પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કોલેજ ગયેલી આ વિદ્યાર્થિનીઓ મંદિર સુધી કેવી રીતે પહોંચી અને બન્ને યુવતીએ કયા અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું અથવા તેમની સાથે શું બન્યું હતું તે જાણવા માટે ઇન્જેક્શનમાં કઈ દવા હતી અને તેનાથી મૃત્યુ નીપજ્યું છે કે કેમ તે દિશામાં એફએસએલની મદદ લઈ મંદિરના સીસીટીવી ફૂટેજ અને યુવતીઓના મોબાઇલ લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં યુવતીઓના રહસ્યમય મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક