તા.9 થી 11 માર્ચ દરમિયાન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થઈ જશે અને વહીવટદારો ગુજરાતમાં રાજ કરશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.6: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજાકિય
પક્ષોમાં ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર,આગામી 1 મે પછી ચૂંટણી યોજાઈ
શકે છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના
સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના
ભણકારા વાગી રહ્યાં છે. સંભવ 1 મે ગુજરાત સ્થાપનાના દિનના દિવસે અથવા તેની આસપાસના
દિવસોમાં ગુજરાતમાં 260 તાલુકા પંચાયત, 32 જિલ્લા પંચાયત, 15 મહાનગરપાલિકા અને 71 નગરપાલિકાઓમાં
ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક
જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને
કારણે ગરમાવો આવશે.
રાજ્ય ચૂંટણી આયોગે એસઆઈઆર પછી ઈલેક્શન કમિશન
ઓફ ઈન્ડિયા-ઈસીઆઈની મતદાર યાદીને આધારે પંચાયતોમાં મતક્ષેત્રો અને પાલિકાઓમાં વોર્ડમાં
બેઠકોની ફાળવણી માટે પ્રાથમિક જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. સંભવત: માર્ચ મહિનાના
અંત સુધીમાં તેને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યા છે. તેના બાદ એપ્રિલ મહિનાના બીજા
કે ત્રીજા સપ્તાહે ચૂંટણી જાહેર કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના આધારે શક્યતા
1 મે બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા
જોવાઇ રહી છે.
રાજકીય
તજજ્ઞોના માનવા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં આગામી વર્ષે આવી રહેલી
વિધાનસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ ગણવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પાંચ વર્ષની મુદ્દત
ડિસેમ્બર, 2027 ના રોજ પૂર્ણ થશે. ત્યારે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ પણ જલ્દી જ શરૂ
થઈ જશે.આ જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવશે. કારણ કે, વિધાનસભાની
ચૂંટણીના મૂળિયા આ ચૂંટણીમાં માપવામાં આવશે.
બીજી બાજુ, ગુજરાતની અનેક નગરપાલિકા, પંચાયતોમાં
વહીવટદારોનું શાસન છે. તો કેટલીક પાલિકાઓમાં જલ્દી જ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની
મુદત પૂર્ણ થઈ જશે. નવા પ્રતિનિધિ નહિ ચૂંટાય ત્યા સુધી તમામ પાલિકાઓમાં વહીવટદારો
રાજ કરશે. જે અંતર્ગત સરકારના પ્રતિનિધિઓ જેમકે, આઈએએસ, જીએએસ સહિતના અધિકારીઓ ચાર્જ
સંભાળશે. ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં 9 થી 11 માર્ચ દરમિયાન તમામ ચૂંટાયેલા
પ્રતિનિધિઓની મુદત પૂરી થઈ રહી છે. જેમ કે, નગરસેવકો, કોર્પોરેટર, મેયર, પ્રમુખ સહિતના
સમયગાળાનો અંત આવશે. તેથી 10 માર્ચથી 20 મે સુધી વહીવટદારો ગુજરાતમાં રાજ કરશે.