આતંકવાદી ખતરા ઉપરાંત ભીડ નિયંત્રણ સામેનાં જોખમોને ધ્યાને રાખીને કાર્યક્રમો ટૂંકાવાયા, રદ કરાયા
નવી
દિલ્હી, તા.28: નવાં વર્ષ 2026ના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દુનિયાનાં
ઘણા સ્થળોએ પ્રવાસીઓ પહેલેથી જ પહોંચી રહ્યા છે પરંતુ આ વચ્ચે અનેક મોટા શહેરોમાં નવાં
વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનારા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અથવા સુરક્ષા વ્યવસ્થા
વધુ કડક કરી દેવામાં આવી છે. તેનું મુખ્ય કારણ આતંકી ખતરો, તાજેતરની હિંસક ઘટનાઓ અને
મોટી ભીડ સાથે જોડાયેલા જોખમો સહિત જાહેર સુરક્ષા અંગેની ચિંતાઓ છે.
આ નિર્ણય
સાવચેતીરૂપ છે અને તેનો હેતુ સામૂહિક સમારંભોથી જોડાયેલા જોખમોને ઓછા કરવાનો છે. આ
મહિનાની શરૂઆતમાં અમેરિકન ફેડરલ અધિકારીઓએ લોસ એન્જલસમાં નવાં વર્ષની પૂર્વ સંધ્યાએ
થનારી કથિત બોમ્બ વિસ્ફોટની સાજિશને નિષ્ફળ બનાવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે
મોજાવે રણમાં હુમલાનો અભ્યાસ કરતી વખતે ચાર શંકાસ્પદોને ધરપકડ કરવામાં આવી હતી.
લોસ
એન્જલસમાં બોમ્બ વિસ્ફોટનાં નિષ્ફળ કારસાએ ચિંતાઓને વધુ વધારી છે. એફબીઆઈએ જણાવ્યું
કે શંકાસ્પદો અનેક સ્થળોએ વિસ્ફોટક ઉપકરણો વડે સંકલિત હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
પ્રથમ સહાયક અમેરિકન અટોર્ની બિલ એસ્સેલીએ જણાવ્યું કે તપાસકર્તાઓએ સાજિશ અમલમાં આવે
તે પહેલાં જ તમામ શંકાસ્પદોને ઝડપી લીધા હતાં. જો કે લોસ એન્જલસ શહેરના અધિકારીઓએ સમારંભો
રદ્દ કર્યા નથી, પરંતુ સુરક્ષા યોજનાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.
પેરિસમાં
પોલીસના અનુરોધ પર શહેરના અધિકારીઓએ ચાંપ્સ-એલિસીઝ પર યોજાનાર નવાં વર્ષની પૂર્વ સંધ્યાનો
સંગીત કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. તેનું કારણ ભીડની અનિશ્ચિત હલચલ અને દોડધામનો ખતરો
છે. આર્ક ડી ટ્રાયમ્ફ ખાતે ફટાકડાનો કાર્યક્રમ ચાલુ રહેશે, પરંતુ લાઇવ પ્રદર્શનના બદલે
પૂર્વ-રેકોર્ડેડ સંગીત પ્રસારિત કરવામાં આવશે.
સિડનીમાં
આ મહિનાની શરૂઆતમાં બોન્ડાઈ બીચ પર થયેલા ઘાતક આતંકી હુમલા બાદ બોન્ડાઈ બીચ પરના નવાં
વર્ષની પૂર્વ સંધ્યાના કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. વેવરલી કાઉન્સિલે જણાવ્યું
કે આ નિર્ણય જમીની સ્થિતિ અને જાહેર સુરક્ષા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં
આવ્યો છે. બીજી તરફ, ટોક્યોમાં અધિકારીઓએ ભીડ અને સંભવિત હુમલાના જોખમોને કારણે શિબુયા
નવાં વર્ષની પૂર્વ સંધ્યાનાં કાઉન્ટડાઉન કાર્યક્રમ રદ કરી દીધો છે. શિબુયા વોર્ડના
મેયર કેન હાસેબેએ જણાવ્યું કે અધિકારીઓ ભીડથી થતા અકસ્માતો અને અવ્યવસ્થા રોકવા પર
ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
બેલગ્રેડે
પણ પોતાના સત્તાવાર નવાં વર્ષની પૂર્વ સંધ્યાના સમારંભો રદ્દ કરી દીધા છે. શહેરના અધિકારીઓએ
પુષ્ટિ કરી છે કે આ વર્ષે કોઈ આયોજનબદ્ધ કાર્યક્રમ યોજાશે નહીં. તેના વિપરીત, ન્યૂયોર્ક
શહેર ટાઈમ્સ સ્ક્વેરમાં બૉલ ડ્રોપ સમારંભ સાથે આગળ વધી રહ્યું છે, જેમાં આશરે દસ લાખ
લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.