• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ગૌતમ ગંભીરના કોચિંગ ઉપર ચાલતી ચર્ચા પાછળ BCCIએ મુક્યું પૂર્ણવિરામ

દેવજીત સૈકિયાએ કહ્યું, ટેસ્ટ ટીમના કોચ બદલવાની અટકળોનો કોઈ આધાર નથી

નવી દિલ્હી, તા. 28 : ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી. હાલમાં જ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે પણ 0-3થી શ્રેણી ગુમાવી હતી. આ સ્થિતિમાં ગૌતમ ગંભીરની શૈલી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો થઈ રહ્યો હતો કે ટેસ્ટ ટીમના કોચ પદેથી ગૌતમ ગંભીરને હટાવવામાં આવી શકે છીએ. સાથે જ ટી20 વિશ્વકપમાં પ્રદર્શન આશા અનુસાર નહીં રહે તો કોન્ટ્રાક્ટ ઉપર ફરીથી વિચાર થશે. ગંભીરનો કોન્ટ્રાક્ટ 2027ના વનડે વિશ્વકપ સુધીનો છે.

હવે ગૌતમ ગંભીર અંગે ચાલતી અટકળો ઉપર બીસીસીઆઈ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગૌતમ ગંભીરને રેડ બોલ ક્રિકેટના કોચ પદેથી હટાવવા મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને તમામ વાતો માત્ર અફવા છે. સૈકિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ અંગે કોઈ વાતચીત થઈ નથી અને કોઈ બીજા કોચ સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો નથી. ગૌતમ ગંભીર પોતાના વર્તમાન કોન્ટ્રાક્ટ હેઠળ ટીમ ઈન્ડિયા સાથે કામ કરતો રહેશે. બોર્ડ તરફથી કોચિંગ સ્ટાફમાં ફેરફારની અત્યારે કોઈ યોજના નથી. સોશિયલ મીડિયામાં ગંભીરના રિપ્લેસમેન્ટને લઈને જે ચર્ચા ચાલી રહી છે તેનો કોઈ આધાર નથી.

અગાઉ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં હાર બાદ બીસીસીઆઈના એક અધિકારીએ અનૌપચારિક રીતે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો. જેથી ખ્યાલ આવી શકે કે લક્ષ્મણ ટેસ્ટ ટીમના કોચિંગમાં રસ રાખે છે કે નહી. જો કે બીસીસીઆઈના નિવેદનથી સાફ થયું છે કે બોર્ડને ગૌતમ ગંભીરની કામગીરી ઉપર ભરોસો છે અને કોચિંગ સેટઆઉટમાં કોઈ બદલાવની જરૂરિયાત લાગી રહી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક