• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

રાજકોટના જવેલર્સના કેશિયરે 2 કરોડની ઉચાપત કરી

કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કર્યો ; ગ્રાહકોને લાલચ આપી 1.74  કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવ્યા

રાજકોટ, તા.29: રાજકોટના અર્જુન જ્વેલર્સના કેશિયરે માલીક અને ગ્રાહકો સાથે ઠગાઈ આચરી બે કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ બોરસદના અને હાલ બાલાજી હોલ પાસે રહેતાં હિતેષ પરમારે એક વર્ષમાં અલગ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ નવી સ્કીમના નામે લાખો રૂપિયા એડવાન્સમાં લઇ ખોટા વાઉચર અને બિલ બનાવી નાખ્યા હતા. કંપનીના મોબાઇલમાંથી  ગ્રાહકોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં 40 વર્ષીય મનીષભાઇ નથુભાઇ ઘાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેષ શૈલેષ પરમારનું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરિયાદ મજબ,  તેઓનો મવડી રોડ, નાના મૌવા રોડ તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ આવેલો છે. જેમાં નાના મૌવા રોડના શો રૂમ ખાતે હિતેષ પરમારને ગઈ તા.12-08-2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. બાદમાં તેને કેશિયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હિતેષ પરમારની મવડી રોડ પરના શો રૂમ ખાતે તા.26.12.2024થી બદલી કરવામાં આવી હતી. તા.17.07.2025ના રોજ જામનગરના અર્જુન જ્વેલર્સમાં હિતેષ પરમારને ડેપ્યુટેશન પર કેશિયર તરીકે રાખી સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજકોટથી તા.05.08.2025થી નોકરીમાંથી છુટા કર્યા હતા.

આ હિતેષ પરમારે શો રૂમના નામે ઘણા કસ્ટમરોને બનાવટી વાઉચરો બનાવી આપ્યા હોવાનું જાણવા મળતા મવડી શો રૂમના ઉપલબ્ધ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે, હિતેષ પરમારે અર્જુન જ્વેલર્સમાં કસ્ટમરોના જમા રૂપિયાના ખોટા વાઉચર બનાવી કસ્ટમરોની તથા જ્વેલર્સની જાણ બહાર સોનાની ઉચાપત કરી પોતાના ખિસ્સામાં નાખી શો રૂમની બહાર લઈ જતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા છે. ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી તેઓની પાસેથી રોકડા રૂ.1,74,10,000 મેળવી જવેલર્સના નામે ખોટા અને બનાવટી વાઉચરો તથા બીલો બનાવી સાચા તરીકે આપી તેમજ શો રૂમમાંથી અલગ અલગ સમયે સોનાની ગીની, દાગીના મળી કુલ 265 ગ્રામ સોનુ રૂ.25,57,800ના ખોટા વાઉચર, બીલો બનાવી દાગીના લઇ જઇ કુલ રૂ.1,99,67,800ની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક