મનપા કચેરી બહાર કેટલાક લોકો ધોકા- પાઇપ વડે તૂટી પડયા : સજ્જડ પોલીસ બંદોબસ્ત
જામનગર,
તા.29: જામનગરના રાજકારણમાં ભારે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. શહેરના વોર્ડ નંબર
1રના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પર અજાણ્યા શખસે હિચકારો હુમલો
કરતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યાર
બાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ઘટનાને પગલે પટણીવાડ વિસ્તાર સજ્જડ બંધ થઈ ગયો હતો
તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જામનગર
મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નગરસેવક
અસલમ ખીલજી પર મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર બહાર હુમલો થયો હતો.
અસલમ
ખીલજી મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા, તે સમયે ભીડભંજન રોડ પર મુખ્ય
કચેરીના ગેટ પાસે કેટલાક અજાણ્યા શખસે તેમના પર ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો
કરતા તેમને હાથ-પગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
તેમજ
આ ઘટનાની જાણ થતાં જ અસલમ ખીલજીના સમર્થકો જી.જી. હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. પોલીસ
ટુકડી પણ ઘટના સ્થળે અને ત્યાર બાદ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
છે. પરંતુ હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી.
હાલ ઇજાગ્રસ્ત અસલમ ખીલજીને જી.જી. હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં
લઇ જવામાં આવ્યાં છે. હુમલાની ઘટના બાદ સમગ્ર પટણીવાડ વિસ્તાર બંધ થઇ ગયો હતો.
તેમજ
સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા પટણીવાડ વિસ્તારમાં સજ્જડ
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.