પીચનાં કારણે બે દિવસમાં ટેસ્ટ પૂરો થતાં ICCની આકરી કાર્યવાહીની તૈયારી
મેલબર્ન,
તા. 28 : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલા ચોથા
ટેસ્ટ મેચનું પરિણામ બે જ દિવસમાં આવ્યું હતું. પીચ ઉપર મોટા ઘાસએ બોલરોની ખૂબ મદદ
કરી હતી અને બેટ્સમેનો માટે પીચ ખૂબ જ મુશ્કેલી બની હતી. પરિણામે છ સેશનમાં મેચ સમાપ્ત
થયો હતો. બન્ને ટીમ ચારે ઇનિંગમાં 200નો આંકડો પાર કરી શકી નહોતી. રિપોર્ટ અનુસાર એમસીજીની
પીચ ઉપર આઇસીસી ચાબુક ફેરવી શકે છે. આ ઉપરાંત બે દિવસમાં ટેસ્ટ મેચ પૂરો થવાનાં કારણે
ઓસ્ટ્રેલિયાને 96 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન પણ થઈ શકે છે.
એમસીજીની
પીચ ઉપર ક્યુરેટરે 10 મીમી ઘાસ છોડયું હતું. જે ગયા વર્ષથી ત્રણ મીમી વધારે છે. આ સ્થિતિનો
બોલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. મેચનો બીજો દિવસ અંતિમ કલાકમાં પૂરો થયો હતો. પર્થમાં
પહેલા ટેસ્ટ બાદ શ્રેણીનો બીજો મેચ હતો જે બે દિવસમાં પૂરો થયો હતો. 129 વર્ષ બાદ પહેલી
વખત એવું બન્યું હતું અને શ્રેણીમાં એકથી વધારે ટેસ્ટ બે દિવસમાં પૂરા થયા હતા. રિપોર્ટ
અનુસાર ચોથા એશિઝ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની જીત બાદ આઇસીસી એમસીજીના ઓફિશિયલ રેકોર્ડમા
એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરશે.
પર્થ
ટેસ્ટ બે દિવસમાં પૂરો થતાં અંદાજ લગાડવામાં આવ્યો હતો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પાંચ
મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. એમસીજીનાં મેદાનમાં પર્થ કરતા 40 હજાર સીટ વધારે છે. તેવામાં નુકસાન વધી શકે છે. રિપોર્ટ છે
કે ઓસ્ટ્રેલિયાને અંદાજિત 96 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થઈ શકે છે. શ્રેણી દરમિયાન
બે મેચ બે દિવસમાં પૂરા થતાં બ્રોડકાસ્ટર ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે તેઓને મોટું નુકસાન
ઉઠાવવું પડ્યું છે.