બાંગ્લાદેશ પોલીસનો દાવો : વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના શંકાસ્પદો મેઘાલયમાં
ઢાકા,
તા.ર8 : ઢાકા મેટ્રોપોલિટન પોલીસે દાવો કર્યો છે કે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ
ઉસ્માન હાદીની માથામાં ગોળી મારીને કરાયેલી હત્યાના બે મુખ્ય શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય
સરહદ પાર કરીને ભારતના મેઘાલયમાં ઘૂસી ગયા છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોર મૈમનાસિંહ
હલુઆઘાટ સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો અને મેઘાલયના તુરામાં છુપાયેલો
હોઈ શકે છે.
ઢાકા
પોલીસના વધારાના કમિશનર એસ. એન. નઝમુલ ઇસ્લામે પત્રકાર પરિષદમાં મુખ્ય શંકાસ્પદો ફૈઝલ
કરીમ મસૂદ અને આલમગીર શેખ અંગે આવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે બન્નેએ સ્થાનિક
સાથીઓની મદદથી સરહદ પાર કરી, પછી પૂર્તિ નામની વ્યક્તિ દ્વારા બન્ને શંકાસ્પદનું સ્વાગત
કરવામાં આવ્યું અને સામી નામનો ટેક્સી ડ્રાઇવર તેમને મેઘાલયના તુરા લઈ ગયો હતો. બાંગ્લાદેશી
અધિકારીઓનો દાવો છે કે શંકાસ્પદોને મદદ કરનારા બે વ્યક્તિઓને ભારતીય અધિકારીઓ દ્વારા
અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલમાં બાંગ્લાદેશ સરકાર આરોપીઓની ધરપકડ અને પ્રત્યાર્પણ
સુનિશ્ચિત કરવા માટે ઔપચારિક અને અનૌપચારિક માધ્યમો દ્વારા ભારત સાથે સંપર્કમાં છે.
32 વર્ષીય શરીફ ઉસ્માન હાદી કટ્ટરપંથી બાંગ્લાદેશી સંગઠન ઇન્કિલાબ મંચના પ્રવક્તા અને
અગ્રણી વિદ્યાર્થી નેતા હતા. ગયા વર્ષે જુલાઈમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા બળવામાં
તેઓ મુખ્ય વ્યક્તિઓમાંના એક હતા. હાદી ફેબ્રુઆરી
2026માં ઢાકા-8 મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે આગામી સંસદીય ચૂંટણી લડવાની
તૈયારી કરી રહ્યા હતા. તેમને ભારતની પ્રાદેશિક નીતિઓ અને શેખ હસીના સરકાર સાથે ભારતના
સંબંધોના કટ્ટર ટીકાકાર માનવામાં આવતા હતા. 1ર ડિસેમ્બરે ઢાકામાં ચૂંટણી પ્રચાર વખતે
તેમની હત્યા કરવામાં આવી હતી.