• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ‘ગોલ્ડ મેડલ’ માટે મહાજંગ

વૈભવ સૂર્યવંશી અને અભિષેક પર રહેશે નજર, કેપ્ટન ઐયરની કસોટી થશે

નવી દિલ્હી, તા.2 : એશિયન ગેમ્સમાં શનિવારનો દિવસ આખી ટૂર્નામેન્ટનો સૌથી રોમાંચક અને હાઈ-વોલ્ટેજ દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ડિફેન્ડિગ ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમ પોતાના ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ટકરાશે. આ માત્ર એક મેચ નથી, પરંતુ એશિયન ગેમ્સના સુવર્ણ પદક પર કબજો જમાવવાની નિર્ણાયક લડાઈ છે.

  ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ગોલ્ડ મેડલ મેચની ટિકિટ મેળવી છે. ભારત અને પાકિસ્તાન જ્યારે પણ સામસામે આવે છે ત્યારે ક્રિકેટના શોખીનોની નજર ટીવી ક્રીન પર સ્થિર થઈ જાય છે, પરંતુ શનિવારની આ ટક્કર વધુ ખાસ બનવા પાછળનું એક મોટું કારણ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી છે.

  યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ હાલ પોતાના બેટથી બોલરોમાં ખળભળાટ મચાવ્યો છે. શ્રીલંકા સામે પણ તેનો આક્રમક અને તોફાની અંદાજ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામે પણ ટીમ મેનેજમેન્ટ તેની પાસેથી આવા જ દમદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. જો વૈભવને પ્લેઇંગ-11માં સ્થાન મળશે, તો સિનિયર સ્તરે પાકિસ્તાન સામે આ તેની ડેબ્યૂ મેચ હશે. ભારત-પાકિસ્તાન મેચનું માનસિક દબાણ સાવ અલગ કક્ષાનું હોય છે; અહીં માત્ર જીત પૂરતી નથી હોતી ખેલાડીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી હોય છે. સામાન્ય મેચ કરતાં અહીં નિષ્ફળતાની આકરી ટીકા થતી હોય છે. આ સંજોગોમાં આટલા મોટા મંચ પર વૈભવ કેવો મિજાજ દર્શાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

ભારતીય છાવણીમાંથી માત્ર વૈભવ જ નહીં, અન્ય મુખ્ય ખેલાડીઓ પર પણ સૌનું ધ્યાન કેન્દ્રિત રહેશે. વૈભવના ઓપાનિંગ જોડીદાર અભિષેક શર્મા હાલ શાનદાર ફોર્મમાં છે. અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં વિસ્ફોટક સદી ફટકારી ચૂકેલો અભિષેક શરૂઆતની ઓવરોમાં જ પાકિસ્તાની બાલિંગ આક્રમણને વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ કેપ્ટન શ્રેયસ ઐયર માટે પણ આ મેચ ખાસ છે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રથમ વખત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સુવર્ણ પદકની આ લડાઈ રણનીતિ, ટેમ્પરામેન્ટ અને આક્રમકતાની ખરી કસોટી સાબિત થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક