5000 લોકોની પૂછપરછનાં આધારે ચોંકાવનારો ખુલાસો: કાશ્મીરનાં પાંચ જિલ્લામાં શ્રેણીબદ્ધ દરોડા
જમ્મુ,
તા.8: જમ્મુ-કાશ્મીરમાં હવે પહાડોમાંથી નીકળીને આતંકવાદ મોબાઈલની ક્રીનમાં પહોંચી ગયો
છે. કાશ્મીરનાં ગુપ્તચર તંત્ર દ્વારા આવા ઓનલાઈન આતંકવાદનાં એક મોટા મોડયુલનો ખુલાસો
કરવામાં આવ્યો છે. આજે સવારે મોટાપાયે કરવામાં આવેલી કાર્યવાહીમાં આતંકવાદનાં ઓનલાઈન
વર્કશોપનો ભાંડો ફૂટયો છે. ગુપ્તચર પાંખ દ્વારા આજે કાશ્મીરનાં પાંચ જિલ્લામાં દરોડા
પાડવામાં આવ્યા હતાં અને આશરે પાંચ હજાર લોકોની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી
હતી. જાણવા મળતી વિગતો અનુસાર ઓનલાઈન માધ્યમોથી આતંકનું મહિમામંડન કરવામાં આવી રહ્યું
હતું. યુવાનોને ભ્રમિત કરીને તેમને કટ્ટરવાદમાં ઘકેલી દેવાની કોશિશો થઈ રહી હતી. આ
ઉપરાંત આતંકવાદીઓની ભર્તીની તૈયારી પણ ચાલી રહી હતી. આજે આ દરોડા આતંકી જૂથોનાં સ્લીપર
સેલ અને ઓવરગ્રાઉન્ડ સાથીદારોની ભાળ મેળવવા માટે પાડવામાં આવ્યા હતાં. આ અભિયાનમાં
આજે બારામુલ્લા, શોપિયાં, અનંતનાગ, કુપવાડા અને બાંદીપોરામાં દરોડા પાડવામાં આવ્યા
હતાં. આ કાર્યવાહી એક એફઆઈઆરનાં આધારે કરવામાં આવી હતી. (જુઓ પાનું 8)
જેમાં
આતંક ફેલાવવા, કટ્ટરતા અને યુવાનોને આતંકી તાલીમ માટે ભર્તી કરવા સહિતનાં આરોપો મૂકવામાં
આવેલા હતાં. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર એફઆઈઆરમાં કહેવામાં આવેલું છે કે, ઓનલાઈન માધ્યમોથી
આતંકવાદને ફેલાવવાનાં પ્રયાસો થઈ રહ્યાં હતાં. આ ઉપરાંત યુવાનોને આતંકવાદમાં ખેંચી
જવા માટે લલચાવવામાં આવી રહ્યાં હતાં.
સુરક્ષા
એજન્સીઓનાં કહેવા અનુસાર તાજેતરમાં કાશ્મીરમાં ફરી થયેલા ટાર્ગેટ કિલિંગ બાદ કાર્યવાહી
તેજ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કાશ્મીરમાં જ પાંચેક હજાર લોકોની પૂછપરછ કરી
લેવામાં આવી છે. આ પૂછપરછમાં જ આતંકવાદનાં ઓનલાઈન વર્કશોપ સહિતની ચોંકાવનારી જાણકારીઓ
પ્રકાશમાં આવી હતી.
આજે
કુપવાડાનાં બાબર ડાર, બાંદીપોરામાં અબ્દુલ રાશિદ ડારની પુત્રી લાલી, પાટનનાં નબી અહેમદ,
શોપિયાંનાં ગુલઝાર અહેમદ વાની સહિતનાં સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંદિગ્ધો
ઉપર સિમકાર્ડનાં દુરુપયોગથી લઈને સોશિયલ મીડિયામાં ભડકાઉ માહોલ પેદા કરવા સહિતનાં આરોપો
છે.