સેંટ લૂઇસ, તા.7: ભારતીય યુવા ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે એક રાઉન્ડ બાકી રહેતા સેંટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પ્રજ્ઞાનાનંદ અને ઉઝબેકિસ્તાનના ગ્રાંડમાસ્ટર જાવોખિરે સિંદારોવ વચ્ચેનો મુકાબલો બરાબરી પર છૂટયો હતો. આથી પ્રજ્ઞાનાનંદની જીત નિશ્ચિત બની ગઇ હતી. ભારતના આ યુવા શતરંજ ખેલાડીએ 3પમાંથી 23 પોઇન્ટ હાંસલ કરીને સેંટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. જાવોખિરે સિંદારોવ 22 પોઇન્ટ સાથે બીજા અને વેસ્લી શો 20.પ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. પ્રજ્ઞાનાનંદને પ્લેઓફ વિના સીધા વિજયથી પ0000 અમેરિકી ડોલરનું ઇનામ, ટ્રોફી અને 13 ગ્રાંડ ચેસ ટૂર પોઇન્ટ મળ્યા હતા. ઓવરઓલ ગ્રાંડ ચેસ ટૂરમાં પ્રજ્ઞાનાનંદ બીજા સ્થાને પહોંચી ગયો છે. ફેબિયાનો ટોચ પર યથાવત છે. સેંટ લૂઈસ ચેસ ટૂર્નામેન્ટમાં દરેક ખેલાડીને 9 રેપિડ રાઉન્ડ અને 18 બ્લિટ્ઝ રાઉન્ડ રમવાના હોય છે.