• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

રિક્ષા મોંઘી પડશે : મિનિમમ ભાડું 25 રૂપિયા

1.2 કિમીના 25 રૂપિયા અને ત્યારબાદના પ્રત્યેક કિલોમીટર દીઠ 20 રૂપિયા લેખે ભાડું ચૂકવવું પડશે : પાંચ લાખ જેટલા રિક્ષાચાલકોને ફાયદો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.8 : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અંદાજે પાંચ લાખથી પણ વધારે રિક્ષાચાલકો માટે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી રિક્ષાચાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વધતા મોંઘવારી અને ઈંધણના ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખીને રિક્ષાના ભાડામાં ફેરફાર કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આખરે સરકારે મિનિમમ અને કિલોમીટર દીઠ ભાડામાં 5-5 રૂપિયાનો વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. જેને લઈને ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા નવા ભાડાનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.

નવા નિયમો અનુસાર હવે મુસાફરોએ પહેલા કરતા વધુ ભાડું ચૂકવવું પડશે, જેનાથી ચાલકોની દૈનિક આવકમાં થોડો સુધારો થવાની પૂરી સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ મુજબ, અમદાવાદમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને હવે 25 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સુધારા મુજબ હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટરના અંતર માટે 25 રૂપિયા ચૂકવવા પડશે. વધતા જતા ખર્ચ વચ્ચે સરકાર દ્વારા લેવાયેલું આ પગલું શહેરના સામાન્ય રિક્ષાચાલકોને આર્થિક રાહત પૂરી પાડવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવી રહ્યું છે.

પ્રથમ 1.2 કિલોમીટરની મર્યાદા પૂરી થયા બાદના મુસાફરીના અંતર માટે પણ ભાડામાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. તદઅનુસાર મુસાફરોએ ત્યારબાદના પ્રત્યેક કિલોમીટર દીઠ 20 રૂપિયા લેખે ભાડું ચૂકવવું પડશે. અમદાવાદ ખાતે રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આ જાહેરાત બાદ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ અને સુધારેલા દરો લાગુ થવાથી ડ્રાઇવરો અને મુસાફરો વચ્ચે ભાડાને લઈને થતી અસમંજસતા અથવા તકરાર પણ દૂર થશે અને પારદર્શકતા જળવાઈ રહેશે.

આ પ્રસંગે યુનિયનના હોદ્દેદારોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી રિક્ષાચાલકોના પરિવારને આર્થિક રાહત મળશે.લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આજે સંતોષાઈ છે, જેનાથી ચાલકોને રાજિંદા ખર્ચ કાઢવામાં સરળતા રહેશે. સરકારના આ પગલાથી પાંચ લાખથી વધુ રિક્ષાચાલકોના પરિવારને મોટી રાહત મળશે અને તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક