• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

જેતપુર PGVCL કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ

વીજ સામગ્રીની તપાસ બાદ ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી, બે નાયબ કાર્યપાલક ઈજનેર સહિત અધિકારીઓ સામે પગલાં

જેતપુર, તા.7: જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં વીજ ઉપકરણોના વિવાદ બાદ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ બદલી કરાયેલા છ કર્મચારીઓમાંથી પાંચ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવતા કચેરીમાં સોપો પડી ગયો છે.

મળતી માહિતી મુજબ, ગત 27 ફેબ્રુઆરીના રોજ જેતપુર પીજીવીસીએલ સ્ટોરમાંથી 12.5 કિમી લાંબો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, 9 મીટર ઊંચાઈના 30 લોખંડના વીજ થાંભલા અને 11 કે.વી.ની 400 પીન કાઢવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટ કોર્પોરેટ કચેરીને મળી હતી. ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેબલ અને 11 કે.વી.ની પીન સ્ટોરમાં જ મળી આવી હતી જ્યારે 30 નંગ ગડર પોલ ખારચિયા સબ સ્ટેશન ખાતે મળ્યા હતા. તપાસ અધિકારીઓએ પોલ અંગે પણ ચકાસણી શરૂ કરી હતી. ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ કાર્યપાલક ઈજનેર ડી. કે. જેઠવા, નાયબ કાર્યપાલક ઈજનેર જે. આર. વેલેરા અને એન. પી. ગોહેલ, જુનિયર ઈજનેર એ. પી. પાનસુરિયા, એકાઉન્ટ વિભાગના કે. કે. વાગડિયા તથા સ્ટોર કીપર આર. આર. વનારની બદલી કરવામાં આવી હતી. હવે આમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર વેલેરા, ગોહેલ, જુનિયર ઈજનેર પાનસુરિયા, એકાઉન્ટ વિભાગના કર્મચારી અને સ્ટોર કીપરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીજીવીસીએલ કચેરીના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર બી. પી. રાડાએ જણાવ્યું કે કોઈ માલસામાનની ખોટ થઈ નથી, પરંતુ ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક