કેશોદ, તા.7: કેશોદ નેશનલ હાઈવે પર ચાંદીગઢ પાટિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 65 વર્ષીય ખીમાભાઈ વરજાગભાઈ રાવલિયા અને તેમની 62 વર્ષીય પત્ની સાજણબેન ખીમાભાઈ રાવલિયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જૂનાગઢ તરફ જતી કારે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળ્યું હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે, જેના પગલે અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા. આ બનાવના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.