• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

જામનગર : 13 લાખના વ્યાજ સામે 22 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી

પગ કાપી નાખવાની ધમકી આપતા યુવાને કંટાળી ફિનાઇલ પીધું

જામનગર, તા.8: જામનગરમાં આર્થિક ભીંસનો લાભ ઉઠાવીને ઊંચા વ્યાજે નાણાં વસૂલતા શખસોનો વધુ એક ગંભીર મારો સામે આવ્યો છે. અંદાજે 13 લાખ રૂપિયાના વ્યાજ સામે 22 લાખથી વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ રકમ માટે અપાતા માનસિક ત્રાસ અને બળજબરીથી કોરા ચેક તથા બાઇક પડાવી લેવાના કાવતરાથી કંટાળીને એક યુવાને અંતિમ પગલું ભરી ફિનાઇલ પી લીધું હતું. સદનસીબે સમયસર સારવાર મળી જતાં યુવાનનો આબાદ બચાવ થયો હતો અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેણે હિંમત દાખવીને પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડર્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રીન પાર્ક વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અમન યુનુશભાઈ મલેકે અનીશ યુસુફભાઈ મીનાણી તથા તેના ભાઈ તોફીક યુસુફભાઈ મીનાણી પાસેથી માસિક 20 ટકાના ઉંચા વ્યાજે રૂપિયા 13 લાખ લીધા હતા. ફરિયાદી યુવાને ગુગલ પે અને રોકડ દ્વારા અત્યાર સુધીમાં કુલ 22 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ દ્વારા અવારનવાર ઘરે આવીને પગ કાપી નાખવાની ધમકીઓ અપાતી હતી તેમજ બે બેંકના કોરા ચેક અને મોટરસાઇકલ બળજબરીથી છીનવી લેવામાં આવ્યા હતા. છેલ્લે ગત પહેલી ઓગસ્ટના રોજ આરોપીઓએ મકાન વેચી નાખવા અથવા રાત્રે ઉઠાવી જવાની ગંભીર ધમકી આપતા માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા અમન મલેકે ફિનાઇલ ગટગટાવી લીધું હતું, સારવાર અર્થે તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક