• રવિવાર, 26 જુલાઈ, 2026

ઝિમ્બાબ્વે સામે ભારતની 90 રને જીત : શ્રેણીમાં અજેય બઢત

ઈશાન કિશન બન્યો જીતનો હીરો : તિલક વર્માના નોટઆઉટ 60 રન : ભારતના 219 રન સામે ઝિમ્બાબ્વે 129માં ઢેર

હરારે, તા. 25 : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજા ટી20 મેચને ભારતે 90 રને નામે કરી લીધો હતો. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 219 રન કર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની પુરી ટીમ માત્ર 129 રને ઢેર થઈ હતી અને મુકાબલો 90 રને ગુમાવ્યો હતો. આ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ટોપ ઓર્ડરને પુરી રીતે ધ્વસ્ત કર્યો હતો. પાવરપ્લેમાં પણ મુખ્ય ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલીને મેચ ઉપર મજબુત પકડ બનાવી લીધી હતી. ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 65 રને જ આઉટ થઈ હતી. મેચમાં પોતાનો ડેબ્યુ ટી20 રમી રહેલા યુવા ફાસ્ટ બોલર યશ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી.  ભારત તરફથી ઈશાન કિશને 81 અને તિલક વર્માએ નોટઆઉટ 60 રન કર્યા હતા. આ સાથે ભારતે શ્રેણીમાં અજેય બઢત બનાવી લીધી છે.

યશે બ્રાયન બેનેટને આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાતુ ખોલ્યું હતું. બેનેટ ક્રીઝ ઉપર ખતરનાક બની રહ્યો હતો. તેણે માત્ર 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 32 રનની તોફાની ઈનિંગ રમી હતી. જો કે યશ ઠાકુરે ઈનિંગ ઉપર બ્રેક મારી હતી. બાદમાં પ્રિન્સ યાદવે બીજી વિકેટ લીધી હતી. સ્પિનર રવિ બિશ્નોઈએ ફિરકીમાં ડિયોન મેયર્સને ફસાવીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારતીય બોલરો સામે ઝિમ્બાબ્વેના બોલરો બેબસ રહ્યા હતા. ટીમને સૌથી મોટો ઝટકો સિકંદર રજાના રૂપમાં લાગ્યો હતો. જે માત્ર શુન્યમાં પેવેલિયન પરત ફર્યો હોત. અંતે ઝિમ્બાબ્વેની પુરી ટીમ 129 રને સમેટાઈ હતી.

ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવ કરતા અશોક શર્માની જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો હતો. અભિષેકે પહેલી ઓવરમાં તાબડતોડ અંદાજમાં શરૂઆત કરી હતી પણ માત્ર આઠ રન કરી આઉટ થયો હતો. વૈભવ પણ નવ બોલમાં 20 રન જ કરી શક્યો હતો. જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર 25 રન કરી શક્યો હતો. ત્રણ વિકેટ પડયા બાદ ઈશાન કિશન અને તિલક વર્માએ ઈનિંગ સંભાળવાનું કામ કર્યું હતું. બન્ને બેટ્સમેન વચ્ચે 43 બોલમાં 94 રનની ભાગીદારી થઈ હતી. ઈશાને 44 બોલમાં શાનદનર 81 રનની ઈનિંગ રમી હતી.તિલક વર્માએ પોતાની ટી20 કારકિર્દીની નવમી અર્ધસદી કરવામાં સફળતા મેળવી હતી. તિલકે 29 બોલમાં 60 રન કર્યા હતા અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક