• રવિવાર, 26 જુલાઈ, 2026

બરવાળામાં ઉતાવળી નદીના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ : ચાલકનું મૃત્યુ

ફાયર ટીમની જહેમત બાદ નદીમાં ગરકાવ થયેલી રીક્ષા અને મૃતદેહ મળ્યા હતા

બોટાદ, તા.25 : બરવાળા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં ખાંભડા ડેમનું પાણી છોડવાથી અને ઉપરવાસના વરસાદને કારણે કુંડળ દરવાજા બહારના કોઝ વે પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ગઈકાલે રાત્રે 8:40 વાગ્યે આ કોઝ વે પરથી છકડો રિક્ષા પસાર થતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ બરવાળા વહીવટીતંત્ર, પોલીસ અને બોટાદ તથા બરવાળાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સતત વરસાદ વચ્ચે ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ શનિવારના રોજ સવારે 11:20 વાગ્યે છકડો રિક્ષા મળી આવી હતી, જ્યારે સાંજના 4:50 વાગ્યે નદીના પાણીમાંથી રિક્ષાચાલક મથુરભાઈ હરીભાઈ તાવીયા નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ દુર્ઘટનાની જાણ થતા જ વહીવટી કાફલો ખડેપગે હાજર રહી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયો હતો. શહેરીજનો પણ મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડી તંત્રને સહયોગ પૂરો પાડયો હતો. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક