• શનિવાર, 18 જુલાઈ, 2026

રવિવારે લોર્ડ્સમાં રોહિત શર્મા આખરી મેચ રમશે ?

વિશ્વ કપને ધ્યાને રાખી BCCI રોહિતને વધુ મોકા આપવાના પક્ષમાં નહીં

નવી દિલ્હી, તા.17: ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને સ્ટાર બેટર રોહિત શર્માની આતંરરાષ્ટ્રીય કારકિર્દીનો ઇંગ્લેન્ડ સામેના ત્રીજા અને અંતિમ વન ડે બાદ લગભગ અંત આવશે તેવા સંકેત મળી રહ્યા છે. અંતિમ વન ડે મેચ રવિવારે લોર્ડસ મેદાન પર રમાવાનો છે. ભારતીય ટીમની પસંદગી સમિતિ ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ 39 વર્ષીય રોહિત શર્માને આગામી વિશ્વ કપને ધ્યાને રાખી વન ડે ટીમમાં મોકા દેવાના પક્ષમાં નથી. જોકે આ મામલે રોહિત તરફથી કે બીસીસીઆઇ તરફથી કોઇ સત્તાવાર ઘોષણા થઇ નથી.

પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકર હાલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે જ છે. રિપોર્ટ અનુસાર તેમણે રોહિત શર્માને સંકેત આપી દીધો છે કે તે વિશ્વ કપની યોજનામાં સામેલ નથી. તેના સ્થાને યુવા યશસ્વી જયસ્વાલ અને બીજા યુવા ખેલાડીને તક આપવાના પક્ષમાં છે. જયસ્વાલ પાછલી 3 વન ડે ઈનિંગમાં 2 સદી કરી ચૂક્યો છે. વિશ્વ કપ અગાઉ 20 વન ડે મેચ રમાશે અને તેમાં તેને પર્યાપ્ત મોકા દેવાના પક્ષમાં બીસીસીઆઇ છે.

રોહિત શર્માને સ્પષ્ટ રીતે સંન્યાસ લેવાનું કહેવામાં આવ્યું નથી પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે સપ્ટેમ્બરમાં રમાનાર ઘરેલુ વન ડે શ્રેણીમાં પસંદગીકારો ભવિષ્યની ટીમ તૈયાર કરવા માંગે છે. આથી રોહિતે ખુદે ફેંસલો લેવાનો રહેશે. રોહિત ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યો છે.

રોહિતનું હાલનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેણે 8 વન ડેમાં 241 રન કર્યાં છે. જેમાં ફક્ત 1 અર્ધસદી છે. બીજી તરફ એવા પર રિપોર્ટ સામે આવ્યા છે કે મુખ્ય પસંદગીકાર અગરકર અને કોચ ગંભીર વિરાટ કોહલી મામલે એકમત છે. તેના ફોર્મ અને ફિટનેસને લીધે તે વિશ્વ કપનો મુખ્ય દાવેદાર ખેલાડી છે.

 

નિવૃત્તિની અફવા વચ્ચે રોહિતના માતા-પિતા લંડન પહોંચ્યા

ટીમ ઇન્ડિયાની જર્સીમાં રોહિત શર્મા રવિવારે લોર્ડસમાં આખરી મેચ રમશે તેવી અફવા વચ્ચે તેના માતા-પિતા લંડન પહોંચ્યા છે. આથી વાતને વધુ હવા મળી છે. રોહિતના માતા-પિતા મોટાભાગે કયારે પણ મેચ જોવા આવતા નથી. તેઓની લંડનમાં હાજરીથી એવા સંકેત મળે છે કે હિટમેનને બીસીસીઆઇએ ઇન્ટરનેશનલ કેરિયરને વિરામ આપવાનું જણાવી દીધું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક