બુમરાહની વર્કલોડને આધારે પસંદગી : પ્રિંસ યાદવ અને દેવદત્ત પડીક્કલને તકની સંભાવના
મુંબઈ,
તા.17 : આઇપીએલ-2026 સીઝનમાં સતત સંઘર્ષ કરી રહેલ મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રિત
બુમરાહ પર બીસીસીઆઇની સિલેક્શન કમિટી સતત નજર રાખી રહી છે. બીસીસીઆઇ પાછલા કેટલાક વર્ષોથી
બુમરાહના વર્કલોડને મેનેજ કરે છે. આઇપીએલની સમાપ્તિ પછી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે અફઘાનિસ્તાન
વિરુદ્ધ 1 ટેસ્ટ અને 3 વન ડેની સિરીઝ રમશે. આ માટેની ટીમ લગભગ 19 મેના જાહેર થશે. એ
પહેલા ચીફ સિલેક્ટર અજીત અગરકરે સંકેત આપ્યો છે કે બુમરાહના વર્કલોડને ધ્યાને રાખીને
તેને ટેસ્ટ મેચ માટે અથવા વન ડે શ્રેણી માટે પસંદ કરાશે.
એવું
પણ જાણવા મળે છે કે અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં આઇપીએલમાં લખનઉ તરફથી શાનદાર
દેખાવ કરનાર ઝડપી બોલર પ્રિંસ યાદવને તક મળી શકે છે. તે આઇપીએલમાં 16 વિકેટ લઈ ચૂક્યો
છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમી રહેલ પ્રિંસ યાદવે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં
8 મેચમાં 17 વિકેટ લીધી હતી. હર્ષિત રાણા હજુ અનફિટ છે. આથી પ્રિંસને તકની પ્રબળ સંભાવાના
છે જ્યારે ટેસ્ટ ટીમમાં દેવદત્ત પડીક્કલને તક મળી શકે છે. જો બુમરાહ ટેસ્ટ ટીમનો હિસ્સો
નહીં બને તો સિરાજ સાથે નવો દડો પ્રસિધ્ધ કૃષ્ણા સંભાળશે કારણ કે આકાશ દીપ હજુ અનફિટ
છે. ત્રીજા ઝડપી બોલર તરીકે જમ્મુ-કાશ્મીરના આકિબ નકીબને તક મળી શકે છે. તેણે ગત રણજી
ટ્રોફી સિઝનમાં 60 વિકેટ ઝડપી હતી.
ટેસ્ટમાં
સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની પસંદગી નિશ્ચિત
માનવામાં આવે છે. અક્ષર પટેલનું પત્તું કપાશે તેવું માનવામાં આવે છે. તે વન ડે ટીમમાં
પસંદ થવાનો દાવેદાર છે.
અફઘાનિસ્તાન
સામેનો ટેસ્ટ ન્યૂ ચંદિગઢ ખાતે 10 જૂનથી શરૂ થશે. આ પછી 14, 17 અને 20 જૂને અનુક્રમે
ધર્મશાલા, લખનઉ અને ચેન્નાઇમાં વન ડે મેચ રમાશે.