રાજકોટ, તા.16 : ગોંડલનાં ભોજપરા ગામે ગટરના પ્રશ્ન બાબતે માતા-પુત્રને પાડોશમાં રહેતા પરિવારે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.
બનાવ
અંગે ગોંડલના ભોજપરા ગામે રહેતાં ગીતાબેન રાજેશભાઈ સોલંકી (ઉં.વ.48) એ નોંધાવેલી ફરિયાદમાં
આરોપી તરીકે ગામમાં જ રહેતા બાબુ કરશન સરવૈયા, ગીતાબેન બાબુ સરવૈયા, જતીન બાબુ સરવૈયા,
પ્રેમજી સરવૈયા અને ગૌતમ બાબુ સરવૈયાનાં નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા. 14 ના સાંજના
સાતેક વાગ્યે આસપાસ મહિલા તેમનાં ઘરે હતા ત્યારે ઘરની સામે રહેતા બાબુભાઈના દીકરા જતીને
ફરિયાદીના ઘરેથી જે ગટર નીકળે છે, તે ગટરમાં સિમેન્ટ નાખી બંધ કરી દીધી હતી અને ગટર
બંધ હોય જે મહિલા જોઈ જતા ગટરમાં રાખેલ સિમેન્ટનો માલ કાઢી નાખ્યો હતો તેવામાં બાબુ
તેની પત્ની ગીતા તેનો દીકરો જતીન, પ્રેમજી મહિલાનાં ઘર પાસે ઘસી આવ્યા હતા અને કહેવા
લાગ્યા હતા કે, તે કેમ ગટરમાંથી સિમેન્ટ ખોલી નાખી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.
જેથી મહિલાએ કહ્યું હતું કે, મારું ઘર છે અને ગટરનું
પાણી અહીં કાયમ માટે ચાલે છે તો તમારે ગટર બંધ ન કરાય. આ સાંભળી આરોપી આવેશમાં આવી
ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.