રાજ્યમાં વસ્તી ગણતરીનો ઓનલાઈન તબક્કો શરૂ નાગરિકો જાતે જ પોર્ટલ પર માહિતી ભરી શકશે
ગુજરાત,
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પેંડિચેરીમાં સ્વગણના શરૂ
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની શરૂઆત કરાવી
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.17: ગુજરાતમાં
આમ તો, 1 જૂનથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આજે 17 મે થી
વસ્તી ગણતરીનો ઓનલાઈન તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં નાગરિકોએ જાતે જ પોર્ટલ પર માહિતી
ભરી શકશે. આજથી ગુજરાત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પાડિંચેરીમાં સ્વગણના શરૂ થઈ છે.
પહેલીવાર આ પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના
2027 અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો
પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની
ઔપચારિક શરૂઆત કરાવી હતી. તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં
સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ
કર્યો હતો. આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે
ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને
સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી
પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઇન સબમિટ કરી શકે છે.પોર્ટલમાં નોંધવામા આવનાર માહિતી કાયદા
મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ
માટે જ કરવામાં આવશે. કેટલાક લોકો જેઓ નોકરી ઉપર હોય છે, પોતાના ઘરથી દૂર રહેતા હોય
છે, તેઓ જાત જ પોતાના સમય દરમિયાન પોતાની માહિતી ભરી શકે છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલે પરિવારની
સ્વ ગણતરી કરી. સી.આર પાટીલે તમામ લોકોને સ્વ ગણતરી કરવા અપીલ કરી હતી. જનગણના ભારત
સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી
પ્રાપ્ત માહિતીના ઉપયોગ સરકાર દ્વારા નીતિનિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ,
આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ
માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી
પહોંચે તે સુનિશ્ચિત કરે છે.