એક ભારતીય સહિત ચારના મૃત્યુ : ઘણા ઈજાગ્રસ્ત
મોસ્કો,
તા. 17 : યુક્રેને રશિયા ઉપર સૌથી મોટા ડ્રોન હુમલાને અંજામ આપ્યો છે. રાતભર ચાલેલા
આ હુમલામાં મોસ્કો સહિત રશિયાના ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં
એક ભારતીય સહિત કુલ ચાર લોકોના મૃત્યુ થયા હતા. રશિયાના અધિકારીઓ અનુસાર આ હુમલામાં
500થી વધારે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું
હતું કે યુક્રેને હુમલામાં 1000 જેટલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
અધિકારીઓએ
હુમલાને મોસ્કોમાં એક વર્ષમાં થયેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. આ હુમલામાં ઓછામાં
ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણાને ઈજા પહોંચી હતી. આ સાથે અલગ અલગ રહેણાક
ઈમારતો અને અન્ય સુવિધાઓને નુકસાન પહોંચ્યું હતું. રશિયાના રક્ષા મંત્રાલયે માહિતી
આપી
હતી કે રાતભર ચાલેલા હુમલામાં હવાઈ સુરક્ષા સિસ્ટમે 556 યુક્રેની ડ્રોન તોડી પાડયા
હતા. આ દરમિયાન મોસ્કો અને પશ્ચિમી રશિયામાંથી વિસ્ફોટના અવાજ આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ
અનુસાર હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ મોસ્કોમાં અને એકનું મૃત્યુ બેલગોરોદ ક્ષેત્રમાં
થયું હતું.