• રવિવાર, 17 મે, 2026

આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ટક્કર

મુકાબલો રહેશે સેમીફાઇનલ જેવો, દિલ્હીને પ્લેઓફની આશા જીવંત રાખવા જીત જરૂરી

નવી દિલ્હી, તા. 16 : દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે થનારો મુકાબલો સેમીફાઇનલથી ઓછો રહેવાનો નથી. બન્ને ટીમને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. આ મહત્ત્વના મુકાબલામાં નજર 15 વર્ષીય વૈભવ સુર્યવંશી અને 36 વર્ષીય મિચેલ સ્ટાર્કનાં પ્રદર્શન ઉપર રહેશે.

રાજસ્થાન સામે હારથી દિલ્હી સત્તાવાર રીતે બહાર થઈ જશે. જો કે જીતથી પણ આગળ વધવાની સંભાવના ઓછી જ રહે છે. જો દિલ્હી જીત મેળવે તો 14 અંક  થશે. તેવામાં કોઈ ચમત્કાર જ તેને પ્લેઓફમાં પહોંચાડી શકે છે જ્યારે રાજસ્થાનને આ મેચ બાદ બે વધુ મેચ રમવાના છે. જો દિલ્હી સામે હાર મળે તો પણ બન્ને મેચ જીતીને અંતિમ ચારમાં જગ્યા બનાવી શકશે. જો કે આ માટે નેટ રનરેટ પણ સુધારવી પડશે.

રાજસ્થાનની ટીમ એક સપ્તાહના બ્રેક બાદ ફ્રેશ થઈને મેદાનમાં ઉતરશે. તેની પૂરી કોશિશ રહેશે કે દિલ્હીને હરાવે. સૂર્યવંશીએ બુમરાહ, હેઝલવૂડ જેવા દિગ્ગજો સામે સિક્સર સાથે શરૂઆત કરી છે. તેવામાં સૂર્યવંશી અને સ્ટાર્કની ટક્કર જોવા જેવી રહેશે. દિલ્હીની ટીમે છેલ્લા અમુક મેચ સપાટ પીચ ઉપર રમ્યા છે. તેના માટે કેપ્ટન અક્ષર પટેલ અને કુલદીપનું ફોર્મ ચિંતાનો વિષય છે. લુંગી એનગીડીને છોડીને અન્ય કોઈ બોલર સારું પ્રદર્શન કરી શક્યો નથી. વધુમાં કેએલ રાહુલ એકમાત્ર બેટ્સમેન છે જેણે નિરંતર પ્રદર્શન કર્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક