• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

વુલફાર્ટની આતશી સદીથી ભારત સામે ત્રીજા T-20 મેચમાં આફ્રિકાનો 9 વિકેટે વિજય

-5 મેચની શ્રેણીમાં આફ્રિકા મહિલા ટીમની 3-0ની અજેય સરસાઇ

જોહાનિસબર્ગ, તા.23: કેપ્ટન લોરા વુલફાર્ટની 11પ રનની આતશી સદીની મદદથી દ. આફ્રિકા મહિલા ટીમનો ભારત સામેના ત્રીજા ટી-20 મેચમાં 21 દડા બાકી રહેતા 9 વિકેટે જોરદાર વિજય થયો હતો. આથી આફ્રિકાએ પ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઇ બનાવી લીધી છે. પ્લેયર ઓફ ધ મેચ લોરા વુલફાર્ટે પ3 દડામાં 14 ચોક્કા અને પ છક્કાથી 11પ રનની વિક્રમી ઈનિંગ રમી હતી. આથી આફ્રિકાએ 193 રનનો વિજય લક્ષ્યાંક 16.3 ઓવરમાં ફકત 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

લોરાએ તેની ત્રીજી સદી 47 દડામાં બનાવી હતી. જે ભારતીય મહિલા ટીમ વિરુદ્ધ સૌથી ઝડપી સદી છે. આ પહેલા 2018માં ઇંગ્લેન્ડની બેટર ડેનિયલ વ્યાટે પ2 દડામાં ભારત સામે સદી કરી હતી. લોરા વુલફાર્ટ અને સુને લૂસ વચ્ચે પહેલી વિકેટમાં 92 દડામાં 183 રનની ભાગીદારી થઇ હતી. જે મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં કોઇ પણ ફૂલ મેમ્બર દેશ વિરૂધ્ધ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. સુને લૂસે 42 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 64 રનની ઈનિંગ રમી હતી.

આ પહેલા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેમાં સ્મૃતિ મંધાનાના 37, શેફાલી વર્માના 64, કપ્તાન હરમનપ્રિત કૌરના 66 અને ઋચા ઘોષના અણનમ 18 રન મુખ્ય હતા. જેમિમા રોડ્રિગ્સ ગોલ્ડન ડક થઇ હતી. આફ્રિકાની એન. મ્લાબાએ 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક