• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

સુરતના ચલથાણમાં ગેસ લીકેજ બાદ વિસ્ફોટમાં ઘાયલ 3 લોકોનાં મૃત્યુ

ઘરમાલિક, પાડોશી મહિલા અને માસૂમે જીવ ગુમાવ્યો; રસોઈ બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા, વેન્ટિલેશનના અભાવે ગેસ ચેમ્બર સર્જાઈ

સુરત તા. 23: સુરત જિલ્લાના પલસાણાના ચલથાણ ગામમાં થોડા દિવસ અગાઉ ગેસ લીકેજને લીધે થયેલા ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 6 લોકો પૈકી બાળક સહિત 3 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત એવી છે કે પલસાણાના ચલથાણની ખુમાનાસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા (ઉ.40) ગત 17મી એપ્રિલે સવારે રસોઈ બનાવ્યા બાદ ભુલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. જેથી આખો દિવસ ગેસ લીક થવાને લીધે બંધ ઘર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હતું. સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતી દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાને બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 6 લોકો પૈકી ઘરમાલિક નીરજ શ્રીકાંત મિશ્રા(ઉ.40), પાડોશી મહિલા દુર્ગાવતી અજયકુમાર યાદવ (ઉ.38), પાડોશી મહિલાનો પુત્ર અનુજ (બાળક) એમ ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. વધુમાં જાણવા મળ્યુ હતુ કે એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં વેન્ટિલેશનની કોઈ જ વ્યવસ્થા ન હતી .રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો. 

ઇ-પેપરના નવા શુલ્ક