- તમારા ઓફિસરોના અધિકાર હોય, તો મુખ્યમંત્રી મમતા બેનર્જીના ન હોય તેવો સવાલ કર્યો
નવી
દિલ્હી, તા. 23 : આઈ-પેક દરોડા કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સતત બીજા દિવસે પણ સુનાવણી
ચાલુ રાખી હતી અને ઈડીને પૂછ્યું હતું કે, જો તમારા અધિકારીઓના વ્યક્તિગત અધિકાર હોય,
તો મુખ્યમંત્રી મમતાના ન હોય તેવો સવાલ કર્યો હતો.
એક
મીડિયા હેવાલ મુજબ, બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ આરોપ લગાવ્યો હતો
કે, એક રાજકીય પક્ષ સોશિયલ મીડિયા પર કોર્ટ કાર્યવાહીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો
છે અને કોર્ટને આ રોકવા માટે કહ્યું હતું. ઈડી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો
રજૂ કરી હતી.
ન્યાયાધીશ
પી.કે. મિશ્રા અને એન. વી. અંજારિયાની બેન્ચે ગઈકાલે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ
મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સી દ્વારા ચાલી રહેલી તપાસમાં દખલ કરે છે, ત્યારે તેને કેન્દ્ર
અને રાજ્ય સરકારો વચ્ચેનો વિવાદ ગણી શકાય નહીં.
નોંધનીય
છે કે, 8 જાન્યુઆરીના ઈડીએ કોલકાતા સ્થિત રાજકીય સલાહકાર કંપની આઈ-પેકના ડિરેક્ટર પ્રતીક
જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા
અને કેટલીક ફાઇલો લઈ ગયા હતા. ત્યારબાદ, ઈડીએ તપાસમાં અવરોધ ઊભો કરવા બદલ સુપ્રીમ કોર્ટમાં
મમતા બેનર્જી અને બંગાળ પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.