• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પેટ્રોલ-ડીઝલ મોંઘાં થવાની વાત ખોટી

- સરકારે 25થી 28 રૂપિયા વધવાના અહેવાલો ફગાવતાં કહ્યું : ચાર વર્ષથી કોઇ વધારો નથી કર્યો

નવી દિલ્હી, તા. 23 : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 25થી 28 રૂપિયાનો વધારો થશે તેવા અહેવાલોને ખોટા ગણાવી કેન્દ્ર સરકારે ફગાવી દીધા હતા.

પેટ્રોલિયમ મંત્રાલયે  ગુરુવારે કહ્યું હતું કે, ઇંધણોના ભાવ વધારવાનો કોઇ જ પ્રસ્તાવ વિચારણામાં નથી. આ અહેવાલો ભ્રામક અને ભય ફેલાવનારા છે. કોટક ઇક્વિટીઝના અહેવાલમાં અનુમાન કરાયું હતું કે, બંગાળ અને તામિલનાડુની વિધાનસભા ચૂંટણીઓ પૂરી થયા પછી પેટ્રોલ, ડીઝલના ભાવ વધી શકે છે.

એક અહેવાલ અનુસાર, તેલ કંપનીઓ દર મહિને લગભગ 27 હજાર કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. ક્રૂડતેલની કિંમત વધતાં તેની ખરીદી અને પેટ્રોલ-ડીઝલના વેચાણ વચ્ચે અંતર વધી રહ્યું છે.

આવી વિકટ સ્થિતિ સર્જાતાં તેલ કંપનીઓ માટે વર્તમાન કિંમતો વધાર્યા વિના ટકાવી રાખવી મુશ્કેલ છે.

કેન્દ્ર સરકારે એક નિવેદનમાં ભાવવધારો થશે તેવા સમાચારો ખોટા લેખાવીને કહ્યું હતું કે, ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે ક્રૂડતેલની કિંમતોમાં અનિશ્ચિતતા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ચાર વર્ષથી વધાર્યા નથી.

અમેરિકા-ઇરાનનાં યુદ્ધની અસરરૂપે દુનિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝમાં સર્જાયેલી તાણથી ઊર્જા સંકટે દુનિયાભરમાં ઉચાટ ફેલાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક