લખનઉ, તા.23: રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને લખનઉ સામેના લો સ્કોરીંગ મેચમાં તેની ટીમ રાજસ્થાન રોયલ્સના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 77 રનમાં પ વિકેટ પડી ગયા પછી જાડેજાએ અણનમ 43 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી અને બાદમાં 29 રનમાં 1 વિકેટ ઝડપી હતી. તેણે લખનઉના સેટ બેટર નિકોલસ પૂરન (22)નો શિકાર કરી મેચના પાસા પલટાવ્યા હતા. મેન ઓફ ધ મેચ બન્યા પછી રવીન્દ્ર જાડેજા તેનો એવોર્ડ પત્ની રિવાબા જાડેજાને સમર્પિત કર્યો હતો. જાડેજાએ કહ્યું કે મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતી સારું લાગી રહ્યું છે. હું આ એવોર્ડ ગુજરાતના શિક્ષા મંત્રી મારા પત્નીને સમર્પિત કરવા માંગુ છું. તેમણે મને કહ્યું હતું કે સારો દેખાવ કરજો અને મેં કર્યો. જાડેજાએ ઇકાના સ્ટેડિયમની પિચને કઠિન ગણાવી હતી. તેણે કહ્યું અહીં બેટિંગ કરવી આસાન ન હતી. અમે આખરી 3-4 ઓવરમાં સારા રન ઉમેરવાની યોજના બનાવી હતી. જેમાં સફળ રહ્યા.