મોરબી, તા.23 : મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક નાણાં પડાવવા માટે માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખસને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે. રાત્રિના સમયે સ્કોર્પિયો કારમાં આવેલા આ શખસે એક બેકરીના સંચાલકો સાથે ગેરવર્તણૂક કરી આતંક મચાવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બન્નેની ધરપકડ કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર આ ઈસમોને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું અને રી-કન્સ્ટ્રક્શન કરાવી માફી મંગાવતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ઝડપાયેલા
આરોપીઓમાં મહેશ ઉર્ફે લાલો સવસેટા અને જગદીશ ઉર્ફે જગો સવસેટાનો સમાવેશ થાય છે, જેઓ
અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશન જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપી મહેશ વિરુદ્ધ
એ ડિવિઝનમાં અને જગદીશ વિરુદ્ધ એ ડિવિઝન ઉપરાંત પડધરી અને મોરબી તાલુકા પોલીસ મથકે
ગુના નોંધાયેલા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી
ગયો છે.