• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

નાનાં ક્લીનિક ચલાવતા તબીબો માટે નિયમોની કડવી દવા

નવીદિલ્હી, તા.23 : હવે શેરી-ગલી કે લત્તામાં નાનાં દવાખાના-ક્લીનિક ચલાવવા હવે તબીબો માટે પહેલાં જેવું આસાન નહીં રહે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મહાનિર્દેશાલય(ડીજીએચએસ) દ્વારા ચિકિત્સાલય સંચાલન સંબંધિત નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે અને તેમાં ન્યુનતમ જગ્યા, સ્ટાફ અને ઉપકરણોનાં માપદંડો નિર્ધારિત કરી દેવામાં આવ્યાં છે. આનાં માટે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નિયમોનો મુસદ્દો જારી કરવામાં આવ્યો છે અને તે લાગુ થયા બાદ દેશભરમાં ક્લિનિકો માટે તેનું પાલન કરવું અનિવાર્ય બનશે.

નવા નિયમો અનુસાર કોઈપણ ક્લિનિકમાં ડૉક્ટરનો કન્સલ્ટેશન રૂમ હવે 70 ચોરસ ફૂટથી ઓછો ન હોવો જોઈએ. આ ઉપરાંત દર્દીઓ માટે પણ કમસેકમ 3પ ચો.ફૂટ વેઇટિંગ એરિયા હોવો જરૂરી બનશે. ક્લિનિકમાં બ્લડ પ્રેશન મશીન, થર્મોમીટર, વજન માપવાનું મશીન, ઓક્સિજન સિલિન્ડર, જરૂરી ઇમર્જન્સી ઉપકરણો હોવા અનિવાર્ય કરવામાં આવ્યા છે. આ સિવાય ક્લિનિકમાં એક નોંધાયેલા તબીબ અને એક પ્રશિક્ષિત સ્ટાફ સદસ્યની હાજરી હોવી પણ જરૂરી બનશે.

સુધારેલા નિયમોના મુસદ્દા મુજબ જે રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પહેલાથી લાગુ છે. ત્યાં આ નવાં માપદંડો અનુસાર ટૂંકસમયમાં આદેશ જારી કરી દેવામાં આવશે. હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત દેશનાં 19 રાજ્યમાં આ કાયદો લાગુ છે અને ત્યાં બહુ જલ્દી આ નવા નિયમોની અમલવારી જોવા મળી શકે છે. સુધારેલા નિયમો અનુસાર ક્લિનિકમાં દર્દીને રજિસ્ટ્રેશન નંબર આપવો પડશે અને ઈલાજ, તપાસ ઉપરાંત આપવામાં આવેલી દવાનો રેકોર્ડ રાખવો પડશે. નોંધાયેલા ફાર્માસિસ્ટ સિવાય કોઈપણ દવાઓ વેંચી શકશે નહીં.

ડીજીએચએસ દ્વારા માત્ર ક્લિનિક જ નહીં બલકે ઔષધાલય, મોનિટરિંગ અને પ્રવાસ સુવિધા, નૈદાનિક સ્વાસ્થ્ય સુવિધા અને સેમ્પલ કલેક્શન સેન્ટર માટે પણ માપદંડો નક્કી કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત શબગૃહ માટે પણ પહેલીવાર વિસ્તૃત દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે. શબગૃહમાં પ્રત્યેક મૃતદેહને એક વિશિષ્ટ કોડ આપવો અનિવાર્ય બનશે અને તાપમાન 4થી 6 ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક