બોટાદ,
તા.22 : ગઢડા તાલુકાનાં એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને
112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે, તેણીનો પતિ તેણીના હાથમાંથી ત્રણ માસના
બાળકને બળજબરી પૂર્વક ખેંચીને ભાગી ગયો છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ
ખુશ્બૂબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના
સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા.
બન્ને
ટીમે મહિલાના પતિ સુધી પહોંચી ત્રણ માસનાં બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી
બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સાલિંગ
કરતા ફરિયાદની વિગતોમાં જણાવ્યું હતું કે, પરિણીતાનો પતિ સાત વર્ષથી ચારિત્ર્ય પર કુશંકા
કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલા હતા. નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી
કરતો હતો. પતિના આ વર્તનથી ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધો હતો અને આ વાતની
જાણ પતિને થતાં બાળકને લઈ ગયો હતો. 181 ટીમ અને 112 ટીમે પિયર પક્ષ અને સાસરી પક્ષને
સાથે રાખીને સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે માર્ગદર્શન
આપી સમગ્ર કેસ પી.બી.એસ.સી. ગઢડા ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેને
કાઉન્સાલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી.