• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ભારત નર્કનું દ્વાર : ટ્રમ્પની ડાગળી ચસકી

ભારત અને ચીન સામે ઝેર ઓકતી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને વિવાદ ભડકાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ

નવીદિલ્હી, તા.23 : અમેરિકાના આખાબોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન માટે ઘોર અપમાન અને વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને રિપોસ્ટ કરીને ભારત અને ચીનનો રોષ વહોરી લીધો છે. ટ્રમ્પે જે પોસ્ટ રીપોસ્ટ કરી હતી તેમાં ભારત અને ચીનને નર્કના દ્વારા ગણાવવામાં આવ્યા હતાં.

રેડિયો હોસ્ટ માઇકલ સેવેજે એક પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેમાં ભારત અને ચીનને નર્ક જેવી જગ્યા કહેવામાં આવેલા. સેવેજે આ પોસ્ટમાં વંશીય ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, અમેરિકાએ જન્મસિદ્ધ નાગરિકતા કાયદામાં સુધારો કરવો જોઈએ. સેવેજે દાવો કર્યો હતો કે, એશિયાઈ દેશોના લોકો અમેરિકા આવી જાય છે અને 9 માસમાં એક બાળકને જન્મ આપી દે છે. આ રીતે બાળક અમેરિકાનું નાગરિક બની જાય છે. આ કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે અને તેનાથી અમેરિકાને નુકસાન થઈ રહ્યંyં છે.

આ પોસ્ટમાં સેવેજે લખ્યું હતું કે, બાળક અમેરિકાનું નાગરિક બની ગયા બાદ તેનો પરિવાર ચીન અને ભારત કે અન્ય દેશોમાંથી આવીને અમેરિકામાં વસી જાય છે. આ દેશ દુનિયામાં નર્કના દ્વાર જેવા છે. ભારત અને ચીન સહિતના એશિયાના દેશનું હળાહળ અપમાન કરતાં આ પત્રને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. ટ્રમ્પે મોંઘવારી અને જન્મસિદ્ધ નાગરિકતા મુદ્દે વાંધાજનક ટિપ્પણી કર્યાના બીજા જ દિવસે આ વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી છે.

સેવેજે પોસ્ટમાં એશિયાઈ દેશોના પ્રવાસીઓ અમેરિકાને મોટા માફિયાઓ કરતા પણ અધિક નુકસાન પહોંચાડયું હોવાનું લખ્યું હતું. તેમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, કેલિફોર્નિયાની હાઇટેક કંપનીઓમાં હવે શ્વેત લોકો માટે કોઈ નોકરીઓ નથી બચી કારણ કે ત્યાં આખી વ્યવસ્થા ભારતીય અને ચીનીઓના કબજામાં આવી ગઈ છે.

ટેરિફનું ભૂત ધૂણાવ્યું ત્યારથી ટ્રમ્પ ભારત સાથે સંબંધો બગાડવા ઉપર ઉતરી આવ્યા હોય તેવી નિવેદનબાજી ચલાવી રહ્યા છે. ઈરાન સામેનાં યુદ્ધમાં પણ તેમણે પાકિસ્તાનને આગળ કરીને યુદ્ધવિરામ અને શાંતિના પ્રયાસો કર્યા છે અને આમાં પણ ભારતને યેનકેન પ્રકારે બાકાત રાખવાની ચાલાકી વાપરી છે.

હોર્મુઝ ઉપર વર્ચસ્વની લડાઈ

 

નવીદિલ્હી, તા.23 : અમેરિકાની નાકાબંધીનાં કારણે ઈરાન-અમેરિકાની શાંતિ મંત્રણા યોજાતા પહેલાં જ વિખેરાઈ ગયા બાદ અમેરિકાની નાકાબંધી સામે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર પોતાનો વ્યૂહાત્મક સકંજો કસી લીધો છે અને યુદ્ધવિરામ છતાં ઈરાની નૌસેના જહાજોને નિશાન બનાવીને હુમલા બોલાવી રહી છે. ઈરાન ક્રૂડ ઓઇલના ભાવ સળગાવીને વૈશ્વિક બજારમાં દબાણ ઉભું કરીને અમેરિકાનું નાક દબાવવા માટે આ જળમાર્ગનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. રોજ જે જળમાર્ગમાંથી આશરે 130 જેટલાં જહાજો પસાર થતાં હતાં ત્યા હવે ટ્રાફિક લગભગ ઠપ જ થઈ ગયો છે. ઈરાને અમેરિકાનાં યુદ્ધવિરામને એકતરફી ગણાવીને કહ્યું છે કે, અમેરિકા નાકાબંધ હટાવે પછી જ વાટાઘાટ શક્ય બનશે. બીજીબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે સારા સમાચાર આવી શકે છે તેવું કહીને વાટાઘાટોની શક્યતા દર્શાવી રહ્યાં છે.

બીજીબાજુ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(આઇઆરજીસી)ની નજર હવે ફારસની ખાડીમાં બિછાવાયેલા ઇન્ટરનેટ કેબલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ હોવાની આશંકા પેદા થઈ ગઈ છે. જો આવું કોઈ પગલું ઈરાની સેના દ્વારા લેવામાં આવે તો

આખી દુનિયામાં હાહાકાર મચી શકે છે.

આઇઆરજીસી સંબંધિત સમાચાર એજન્સી તસ્નીમ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને તેમાં ફારસની ખાડીમાં ઇન્ટરનેટ કેબલ સહિતના નક્શા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. નિષ્ણાતો આખે ખાડી દેશો માટે એક ગંભીર ચેતવણી ગણાવી રહ્યા છે. આ અહેવાલમાં હોર્મુઝ જળમાર્ગને માત્ર ઓઇલ અને ગેસ માટે નહીં બલકે યુએઇ, કતાર, બહેરીન, સાઉદી જેવા દેશોને જોડતી સંચાર સિસ્ટમ માટે પણ ચાવીરૂપ ગણાવવામાં આવ્યો છે. જેને આડકતરી ધમકી ગણાવવામાં આવી રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનાં ઘર્ષણમાં હોર્મુઝ જંગનો અખાડો બની ગયો છે. બન્ને વચ્ચે હવે હોર્મુઝ ઉપર વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. જો કે આમાં યેનકેન પ્રકારે ઈરાન ભારે પડતા અમેરિકાની હાલત કફોડી બનતી દેખાવા લાગી છે. આની અફરાતફરીમાં જ અમેરિકાએ તાબડતોબ પોતાના નૌસેના પ્રમુખને પણ હટાવી દીધા છે. અમેરિકાનાં યુદ્ધ વિભાગે આજે ઓચિંતા આની ઘોષણા કરી હતી કે, નૌસેના સચિવ જોન સી.ફેલન તાત્કાલિક અસરથી પોતાના પદેથી હટી ગયા છે. આ સાથે જ હંગ કાઓને કાર્યવાહક નૌસેના પ્રમુખ બનાવવાની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. અમેરિકાએ હોર્મુઝ ઉપર અંકુશ નહીં મળતા રઘવાટમાં આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

તો બીજીબાજુ યુદ્ધવિરામ છતાં ઈઝરાયલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા છે. દક્ષિણ લેબનોનમાં ઈઝરાયલે કરેલા એક ઘાતક હુમલામાં એક મહિલા પત્રકાર સહિત પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક