મુંબઈ, તા. 8 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ટાણે જ બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે સુરક્ષાવ્યવસ્થામાં મોટી સફળતા મેળવતાં પોલીસે અત્યંત સંવેદનશીલ ગણાતા કાર્યક્રમ સ્થળ પરથી બે શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સો પૈકી એક વ્યક્તિ પાસેથી વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)નું નકલી ઓળખપત્ર મળી આવ્યું છે, જ્યારે તેની સાથે રહેલા કથિત બોડીગાર્ડ પાસેથી એક બંદૂક જપ્ત કરવામાં આવી છે. વડા પ્રધાનના આગમન પૂર્વે જ અતિ-સુરક્ષિત ગણાતા વિસ્તારમાંથી નકલી આઈડી કાર્ડ અને હથિયાર સાથે બે લોકો પકડાતાં સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો દોર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.