ઓનલાઇન એપ્લિકેશનમાં ઊંચા વળતરની લાલચ આપી આચરવામાં આવેલા ઠગાઈના મોટા રેકેટનો પર્દાફાશ
અમરેલી,તા.8ઃ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રોકાણના નામે ચાલતા રૂ. 634 કરોડના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના ડિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે. ’જઉ ઙફુ’ અને ‘એસડી પે’ નામની ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકોને ટૂંકા સમયમાં દૈનિક 0.15 ટકાથી 0.30 ટકા સુધીનું આકર્ષક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી મોટા પાયે નાણાંનું રોકાણ કરાવવામાં આવતું હતું. શરૂઆતમાં રોકાણકારોને થોડું વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ એપ્લિકેશનની સેવાઓ બંધ કરી નાણાં પરત ન આપીને મોટી છેતરપાઈ આચરી હતી. દેશભરમાંથી ગઈઈછઙ પોર્ટલ પર આ નેટવર્કના 12 બેન્ક ખાતાઓ વિરુદ્ધ 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાં રૂ. 23 કરોડથી વધુની ફ્રોડ રકમ સામે આવતા પોલીસે સાત કંપનીઓના આશરે 15 બેન્ક ખાતાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ ચકચારી ઓનલાઈન ઠગાઈના પ્રકરણમાં પોલીસે આશિષભાઈ છગનભાઈ ગેડિયા (સુરત), ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ (સુરત),િનશી સત્યનારાયણ પ્રસાદ (મહેસાણા), સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા (મહેસાણા), નિરવકુમાર અરાવિંદભાઈ પટેલ (મહેસાણા) અને એસ.ડી. હબ કંપનીના ડિરેક્ટર સૂર્યાસિંહ જગતાસિંહ રાઠોડ (ગાંધીનગર) સહિતના છ આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ધવલ પટેલ સહિતના શખ્સો દ્વારા 15 અલગ-અલગ લેયર સુધી રેફરલ બોનસની સ્કીમ ચલાવવામાં આવી હતી, જેના માધ્યમથી દોઢ થી પોણા બે લાખ જેટલા લોકો આ નેટવર્કમાં જોડાયા હતા. સાવરકુંડલામાં રહેતા વનિતાબેન મનુભાઈ મારૂ અને નરેન્દ્રકુમાર રમેશભાઈ મહિડા જેવા અનેક રોકાણકારો સાથે લાખોની ઠગાઈ થયા બાદ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આ વિશાળ નાણાકીય નેટવર્ક પાછળ સંકળાયેલા અન્ય સહયોગીઓ અને બેન્ક ખાતાઓની તપાસ તેજ બનાવી છે.