ગાંધીનગર ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 8: કલોલ સ્થિત
સ્વામિનારાયણ યુનિવર્સિટી પાસે કથિત રીતે માગવામાં આવેલી રૂ.25 લાખની ખંડણીના મામલે
ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન
કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં એનએસયુઆઇના નેતા સુધીર રાવલ સામે યુનિવર્સિટી
સંચાલકો પાસેથી જંગી રકમની ખંડણી માગવાનો આક્ષેપ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલની સ્વામીનારાયણ યુનિવર્સિટીના
મહંત સ્વામી દ્વારા કલોલ પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં
સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે એનએસયુઆઇ નેતા સુધીર રાવલે યુનિવર્સિટી પાસે રૂ.25
લાખની ગેરકાયદે ખંડણીની માગણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેઇલ કરી ખંડણી ઉઘરાવવાના
આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને
એનએસયુઆઇ તથા તેના નેતા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ
પ્રદર્શનના અંતે એબીવીપીના પ્રતિનિધિઓ અને કાર્યકરો દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા
(એસપી) ને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એનએસયુઆઇના નેતા સુધીર
રાવલ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માગ કરવામાં
આવી છે. પોલીસે પણ આવેદનપત્ર સ્વીકારીને મહંત સ્વામીની ફરિયાદના આધારે આગળની ધોરણસરની
તપાસ તેજ કરી છે.