• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

આજથી ગુજરાત વિધાનસભાના ત્રિ-િદવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ, નવ વિધેયક પસાર કરાશે

સત્રના પ્રથમ દિવસે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મંત્રી મોહનાસિંહ રાઠવા સહિતના સદ્દગત ધારાસભ્યોને શોકાજલી અપાયા બાદ કામકાજ મોકૂફ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8 ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલે તા.9મીથી 11મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનારા ટૂંકા સત્રમાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ઉગ્ર રાજકીય ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે. સરકાર તરફથી જીએસટી સહિત આશરે નવ વિધેયકો ગૃહમાં રજૂ કરાશે જ્યારે કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, ઓછા વરસાદ અને અછત જેવા જનજીવનને સીધી અસર કરતા મુદ્દાઓને આગળ રાખી સરકારને ઘેરવાની તૈયારી કરી છે. પરિણામે સત્રની શરૂઆતથી સરકાર અને કોંગ્રેસ વચ્ચે સવાલ-જવાબ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ જોવા મળી શકે છે. ચોમાસુ સત્રમાં કુલ આશરે નવ વિધેયકો રજૂ થવાના છે. તેમાં જીએસટી સંબંધિત વિધેયકનો પણ સમાવેશ થાય છે. ટૂંકા સત્રમાં એક પછી એક વિધેયકો ગૃહ સમક્ષ આવવાના હોવાથી તેની ચર્ચા અને પસાર કરવાની પ્રક્રિયા પણ સત્રના મહત્ત્વના કામકાજમાં રહેશે.

સરકાર માટે વિધેયકો પસાર કરાવવાની સાથે વિકાસ અને વહીવટી કામગીરીને આગળ વધારવાનો મુદ્દો મહત્ત્વનો રહેશે. બીજી તરફ વિરોધ પક્ષ વિધેયકોની જોગવાઈઓ અંગે પ્રશ્નો ઉઠાવી સરકાર પાસેથી સ્પષ્ટતા માગી શકે છેસત્રમાં મોંઘવારીનો મુદ્દો સૌથી વધુ રાજકીય ગરમાવો પેદા કરે તેવી શક્યતા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ, ઘરગથ્થુ બજેટ પર વધતું ભારણ અને સામાન્ય પરિવારોની મુશ્કેલીઓ અંગે કોંગ્રેસ સરકારને સવાલો કરી શકે છે. વિપક્ષ માટે મુદ્દો માત્ર આંકડા પૂરતો નહીં પરંતુ સામાન્ય નાગરિકના રાજિંદા જીવન સાથે જોડાયેલો હોવાથી સરકાર સામે રાજકીય દબાણ ઊભું કરવાની મહત્વની તક બની શકે છે. યુવાનોમાં રોજગારની તકોનો પ્રશ્ન પણ સત્રમાં ગાજી શકે છે. સરકારી ભરતી, ખાલી જગ્યાઓ, ભરતી પ્રક્રિયા અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની સ્થિતિ અંગે કોંગ્રેસ સરકાર પાસેથી જવાબ માગી શકે છે. ગુજરાતમાં રોજગાર અને ભરતીનો મુદ્દો અગાઉ પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આથી ત્રણ દિવસના સત્રમાં બેરોજગારીનો મુદ્દો સરકાર માટે અસહજ પ્રશ્નો ઊભા કરી શકે છે.

સરકાર સામે ત્રણ મોટા સવાલ

(1) મોંઘવારી સામાન્ય પરિવારના વધતા ખર્ચને કેવી રીતે નિયંત્રિત કરાશે ?

(2) બેરોજગારી યુવાનો માટે રોજગારીની તકો અને ભરતી અંગે સરકારની આગામી દિશા શું ?

(3) વરસાદ-અછત ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે સરકારની રાહત અને પાણી-કૃષિ અંગેની વ્યવસ્થા શું ?

 

 

ઇ-પેપરના નવા શુલ્ક