મહિલા કર્મચારીઓને હટાવવામાં આવ્યાનો આક્ષેપ : કર્મચારીઓની નારાજગી અને વિરોધ
નવી
દિલ્હી, તા.8: ફ્રાન્સની રાજધાની પેરિસમાં નવનિર્મિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ
સંસ્થા (બીએપીએસ)નાં સ્વામિનારાયણ મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પણ વીડિયો સંદેશ દ્વારા આ મંદિરને ભારત-ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં એક નવા પડાવ
તરીકે ગણાવ્યું હતું. જો કે આ ઐતિહાસિક અવસર બાદ એફિલ ટાવર સાથે જોડાયેલો વિવાદ ચર્ચાનાં
કેન્દ્રમાં આવી ગયો હતો. બીએપીએસનાં એક પ્રતિનિધિમંડળની એફિલ ટાવરની મુલાકાત દરમિયાન
ત્યાંથી મહિલા કર્મચારીઓને હટાવવામાં આવ્યા હોવાનાં અહેવાલ પછી અનેક સવાલો અને વિરોધ
ઉઠાવવામાં આવી રહ્યાં છે.
બીએપીએસ
સાથે જોડાયેલા આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની એફિલ ટાવરની મુલાકાત દરમિયાન એવો આરોપ
લાગ્યો હતો કે મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. તેમની સાથે પ્રતિનિધિમંડળનો
સંપર્ક પણ મર્યાદિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એફિલ ટાવરના કર્મચારીઓમાં નારાજગી
જોવા મળી અને વિરોધ શરૂ થઈ ગયો હતો. 7 સપ્ટેમ્બરે ટાવરના સંચાલન પર પણ તેની અસર પડી
હતી અને થોડા વખત માટે એફિલ ટાવરને બંધ કરી દેવો પડયો હતો.
પેરિસ
પ્રશાસને આ આરોપોની તપાસ શરૂ કરી છે. એફિલ ટાવરનું સંચાલન કરતી સંસ્થા સોસિયેટે દ’એક્સ્પ્લોઇટેશન
દ લા ટૂર એફિલ(એસઈટીઈ)નો દાવો છે કે બીએપીએસના પ્રતિનિધિમંડળ તરફથી મુલાકાતને એવી રીતે
વ્યવસ્થિત કરવાની વિનંતી કરવામાં આવી હતી કે મહિલાઓ સાથે વાતચીત અથવા સંપર્ક મર્યાદિત
રહે. જો કે એસઈટીઈએ એમ પણ કહ્યું હતું કે, આવી શરત સ્વીકારવી જોઈતી નહોતી. અત્યાર સુધીમાં
ઉપલબ્ધ જાહેર અહેવાલોમાં એવો કોઈ મૂળ ઈ-મેઇલ, પત્ર, હસ્તાક્ષર કરેલી વિનંતી અથવા અન્ય
પ્રાથમિક દસ્તાવેજ સામે આવ્યો નથી જેમાં મહિલા કર્મચારીઓને હટાવવા સંબંધિત અનુરોધ કરવામાં
આવેલો હોય.
બીજીબાજુ
બીએપીએસ દ્વારા પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિનિધિમંડળની સંખ્યા મોટી
હોવાથી એફિલ ટાવરની ટીમ સાથે સંકલન કરીને મુલાકાત સામાન્ય રીતે ટાવર ખુલવાના સમયની
શરૂઆતમાં રાખવામાં આવી હતી, જેથી અન્ય પ્રવાસીઓને શક્ય તેટલી ઓછી અસુવિધા થાય. તેની
જાણ મુજબ કોઈપણ વ્યક્તિને એફિલ ટાવરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા નહોતાં. જોકે, બીએપીએસે
આ પરિસ્થિતિને કારણે કોઈને થયેલી અસુવિધા બદલ માફી માગી હતી અને પરસ્પર સન્માન તથા
અન્ય લોકોની સેવા કરવાના મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી.