• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ભારત પ્રવાસે આવશે પુતિન ઃ 11મીએ મોદી સાથે મંત્રણા

બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપશે રશિયાનાં રાષ્ટ્રપતિ પરમાણુ ઊર્જા મથક સ્થાપવાથી માંડીને યુક્રેન યુદ્ધ સહિતનાં મુદ્દાઓની ચર્ચા સંભવ

નવીદિલ્હી,તા.8 રશિયાનાં રાષ્ટ્રપતિ દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની યાત્રાએ આવી રહ્યાં છે. તા.11મી સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ પરિષદ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પ્રસ્તાવિત છે. ક્રેમલિને મોદી અને પુતિન વચ્ચે શુક્રવારે યોજાનારી દ્વિપક્ષીય બેઠકની પુષ્ટિ કરી છે અને ભારતને રશિયાનું વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે.

રશિયાનાં રાષ્ટ્રપતિ દિલ્હી પ્રવાસે આવે તે પહેલાં ક્રેમલિનના પ્રવક્તા અને રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે ભારત-રશિયા સંબંધોની ઉષ્મા સાથે બદલાતી વૈશ્વિક વ્યવસ્થાની ઝલક પણ પોતાનાં નિવેદનમાં આપી હતી. પેસ્કોવે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે પરસ્પર સંપર્ક ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે, ખાસ કરીને વડાપ્રધાન મોદી સાથેની બેઠક. તેમણે કહ્યું, ભારત અને રશિયાના નેતાઓ વચ્ચે ખૂબ નજીકના સંબંધો છે. તેમના સંબંધો ખૂબ વ્યવહારુ છે અને તેઓ એકબીજા સાથે એટલા પ્રમાણિક છે કે વૈશ્વિક એજન્ડા તથા આપણા પરસ્પર સંબંધો સાથે જોડાયેલા સૌથી સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખૂબ ખુલ્લા મને અને રચનાત્મક રીતે ચર્ચા કરી શકે છે.

બ્રિક્સના મહત્વ પર પ્રકાશ પાડતાં પેસ્કોવે કહ્યું હતું , બ્રિક્સ કોઈ સંગઠન નથી; તે એક ક્લબ છે. અમારી પાસે કોઈ ચાર્ટર, નિયમો અથવા કાયમી કાર્યાલય નથી. તેના બદલે, એવા દેશોનું એક ક્લબ છે જે વિશ્વમાં કામકાજ કેવી રીતે થવું જોઈએ અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ કેવી રીતે કરવો જોઈએ તે અંગે સમાન વિચારધારા ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, રિયો ડી જાનેરોમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન રશિયન પ્રતિનિધિમંડળે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા અને મુખ્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કામગીરીને વધુ સારી બનાવવાના વિવિધ મુદ્દાઓ પર નિષ્ણાત સ્તરે ચર્ચા શરૂ કરવાની પહેલ કરી હતી. પહેલને ખૂબ મહત્ત્વપૂર્ણ માનીએ છીએ અને બ્રિક્સની અંદરના ઘણા દેશોએ તેનું સમર્થન કર્યું છે.

ભારત દ્વારા રશિયન ઊર્જાની આયાત પર અમેરિકાની તરફથી પ્રતિબંધો લાદવા અંગેના પ્રસ્તાવ પર પેસ્કોવે કડક વલણ અપનાવતાં અમેરિકન પ્રતિબંધ બિલને અવૈધ ગણાવ્યું હતું. પેસ્કોવે બ્રિક્સને માત્ર આર્થિક જૂથ તરીકે જોવાને બદલે તેને બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે પોતાની બ્રિક્સ અધ્યક્ષતામાં ઘણું રોકાણ કર્યું છે અને સંગઠનની વિચારધારા બહુપક્ષીય વિશ્વની વિચારધારા છે. તેમના અનુસાર એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા તૂટી રહી છે અને પોતાની સ્પર્ધાત્મકતા ગુમાવી રહી છે. તેમના મતે દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માત્ર સભ્ય દેશોની બેઠક નથી. તેની પાછળ વિશ્વની નવી વ્યવસ્થા અંગેની ચર્ચા પણ છે, જેમાં રશિયા, ભારત, ચીન અને અન્ય ઉભરતા દેશો વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રભાવની માંગ કરી રહ્યા છે.

દરમિયાન તેમણે કહ્યું કે ભારત સાથે નવા પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવા અંગેની વાતચીતની તેઓ રાહ જોઈ રહ્યા છે. મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ બહુપક્ષીય વ્યવસ્થા તરફ આગળ વધવા, પશ્ચિમી પ્રતિબંધો અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા અનેક મોટા પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની વાતચીત દરમિયાન યુક્રેન યુદ્ધ અને શાંતિના પ્રયાસો પણ મહત્ત્વપૂર્ણ મુદ્દા બની શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, ભારતને રશિયાના અત્યાધુનિક એસયુ-57 લડાકુ વિમાનો વેચવાનો મુદ્દો બંને દેશો વચ્ચેની વાતચીતના એજન્ડામાં સામેલ છે. તેમણે સંકેત આપ્યો હતો કે આગામી ભારત-રશિયા વાટાઘાટો દરમિયાન એસયુ-57ની સંભવિત ખરીદી અંગે ચર્ચા થઈ શકે છે

ઇ-પેપરના નવા શુલ્ક