• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ભવિષ્યમાં ભૂમિકા સંભવ : અમેરિકા-ઈરાન મધ્યસ્થતા મુદ્દે રક્ષામંત્રી

રાજનાથસિંહે કહ્યું, ભારત પોતાની ભૂમિકા ભજવે અને સફળ થાય તેવો પણ સમય આવી શકે છે

નવી દિલ્હી, તા. 22 : ઈરાન અને અમેરિકા વચ્ચે 28 ફેબ્રુઆરીથી તણાવની સ્થિતિ બનેલી છે. ઘણા દિવસો સુધી થયેલા હુમલા બાદ બન્ને દેશ વચ્ચે સીઝફાયર થયું હતું, જો કે હજી સુધી શાંતિ સ્થાપિત થઈ શકી નથી. બન્ને દેશ પોતાની શરતો ઉપર અડગ છે. પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતાની કોશિશ કરી છે પણ તેમાં સફળતા મળી નથી. આ દરમિયાન ભારતીય રક્ષા મંત્રી રાજનાથસિંહે બર્લિનથી મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. રાજનાથસિંહે કહ્યું હતું કે, આવતીકાલે એવો સમય પણ આવી શકે છે કે જ્યારે ભારત પોતાની ભૂમિકા ભજવે અને તેમાં સફળતા પણ મેળવે. આ નિવેદન બાદ ભારત દ્વારા મધ્યસ્થતાની અટકળો તેજ બની છે.

અમેરિકા સાથેના સંબંધો ઉપર રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારતે કોશિશ કરી છે પણ દરેક બાબતનો એક સમય હોય છે. એવું બની શકે છે કે ભારત પોતાની ભૂમિકા નિભાવે અને તેમાં સફળતા પણ મેળવે. તેઓ આ સંભાવનાથી ઈનકાર કરી રહ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને પક્ષોને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. કૂટનીતિક મામલામાં ભારતીય પીએમનો દૃષ્ટિકોણ ખૂબ જ સંતુલિત છે. રાજનાથ સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતાની ભૂમિકા અસરકાર રહી નથી. તેવામાં કોઈ ત્રીજો દેશ વચ્ચે પડીને સ્થિતિ સંભાળે તેવી આશા દુનિયાભરને છે. 

ઇ-પેપરના નવા શુલ્ક